Satya Tv News

ભારતની સરકારી ઓઈલ કંપનીઓના જુથ દ્વારા રશિયાના બે તેલ ક્ષેત્રોમાં કરાયેલા પાંચ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટસ પર રૂપિયા ૧૦૦૦ કરોડના ડિવિડન્ડસની થયેલી આવક રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અટકી પડી છે.

યુદ્ધને કારણે કરન્સીમાં વધુ પડતી વોલેટિલિટી શરૂ થતાં રશિયાએ ડોલરના રૂપમાં ચૂકવણી સ્થગિત કરી નાખતા આ રકમ અટકી પડી છે.

રશિયાની વાન્કોર કલસ્ટર અને તાસ-યુરયાખ ક્ષેત્રો પાસેથી ભારતની સરકારી ઓઈલ કંપનીઓના કોન્સોર્સિઅમને ડિવિડન્ડસ મળતું રહે છે. થોડીઘણી રકમને બાદ કરતા મોટાભાગનું ડિવિડન્સ દર વર્ષે રશિયાની કંપનીઓ કોન્સોર્સિઅમને મોકલી આપે છે.

પરંતુ યુક્રેન પર આક્રમણ બાદ, વિનિમય દરમાં ભારે વધઘટને પરિણામે તથા ડોલર પાઠવવા પર પ્રતિબંધને કારણે અંદાજે આઠ અબજ રુબલ (અંદાજે રૂપિયા ૧૦૦૦ કરોડ) અટકી પડયા છે, જો કે આ રકમ ખાસ મોટી નહીં હોવાનું ઓઈલ ઈન્ડિયા લિ.ના એક અધિકારીએ જણાવ્યું હતું. ઓલ ઈન્ડિયા આ કોન્સોર્સિઅમની એક સભ્ય કંપની છે.

તાસ-યુરયાખ દર ત્રણ મહિને જ્યારે વાન્કોર કલસ્ટર અર્ધવાર્ષિક ધોરણે ડિવિડન્ડસ ચૂકવે છે. યુદ્ધની સ્થિતિ હળવી થયા બાદ ડિવિડન્ડસ મેળવવામાં કોઈ સમશ્યા નહીં પડે એમ પણ અધિકારીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. રશિયાની તેલ કંપનીઓ હાલમાં રાબેતા મુજબ કામ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારતના સત્તાવાળાતથા રશિયાના સત્તાવાળા વેપાર વ્યવહાર ભારતીય ચલણ રૂપિયામાં હાથ ધરી શકાય કે કેમ તેની શકયતા તપાસી રહ્યા છે. યુદ્ધને કારણે અનેક દેશોએ રશિયા સાથે વેપાર સંબંધો કાપી નાખતા રશિયા ડોલરની અછત અનુભવી રહ્યું છે એટલું જ નહીં બેન્કોએ પણ રશિયા વતિ વ્યવહાર કરવાનું બંધ કરી નાખતા રશિયા માટે વિશ્વના દેશો સાથે વેપાર કરવાનું મુશકેલ બની ગયું છે.

સ્વિફટ ક્લિઅરન્સ તથા અન્ય મુદ્દાઓને કારણે પેમેન્ટસ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. રશિયામાંથી કંપનીઓ દ્વારા ભરાઈ રહેલા ઉચાળા પર ભારત સરકાર નજર રાખી રહી છે અને ભારતીય ઓઈલ કંપનીઓનું જુથ આ એસેટસમાં હિસ્સો ખરીદવાનું વિચારી શકે છે.

error: