પાકિસ્તાનનો મેન્સ હોકી વર્લ્ડ કપમાં પ્રવેશનો માર્ગ બંધ
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય મેન્સ હોકી ટીમે આખરી લીગ મેચમાં ઈન્ડોનેશિયાને ૧૬-૦થી હરાવતા એશિયા કપના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે જાપાન સામે આખરી લીગ મેચમાં ૨-૩થી હારતાં પાકિસ્તાન બહાર ફેંકાયું હતુ. જાપાન તેની ત્રણેય મેચ જીતીને નવ પોઈન્ટ સાથે ગૂ્રપમાંથી આગેકૂચ કરનારી પ્રથમ ટીમ બની હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના ૪-૪ પોઈન્ટ થયા હતા. જોકે ગોલ ડિફરન્સની રીતે ભારત એક ગોલ આગળ હોવાથી પાકિસ્તાન બહાર ફેંકાયું હતુ. ભારતનો ગોલ ડિફરન્સ પ્લસ ૧૩ હતો. જ્યારે પાકિસ્તાનનો ગોલ ડિફરન્સ પ્લસ ૧૨ હતો.
ભારત હવે સુપર-ફોરના બીજા રાઉન્ડમાં જાપાન, મલેશિયા અને સાઉથ કોરિયા સામે ગૂ્રપ મેચીસ રમશે. પાકિસ્તાને મલેશિયાને ૧૩-૦થી હરાવ્યું હતુ. જ્યારે ભારતે જાપાન સામે ત્રણ ગોલના અંતરથી હાર્યું હતુ. જેના કારણે ભારતે તેનો ગોલ ડિફરન્સ સુધારવા માટે ૧૬-૦થી જીતવું પડે તેમ હતુ અને ભારતીય ખેલાડીઓએ આ માર્જીન હાંસલ કર્યો હતો. પાકિસ્તાન અગાઉ ૨-૩થી જાપાન સામે હારી ચૂક્યું હોવાથી ભારત સામે લક્ષ્ય સ્પષ્ટ હતુ.
પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર ફેંકાતા તેનો મેન્સ હોકીના વર્લ્ડ કપમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતુ કે, પાકિસ્તાને જાપાન સામેની મેચમાં ત્રીજો ગોલ ફટકારી દીધો હતો. જોકે તે સમયે મેદાન પર પાકિસ્તાનનો એક વધારાનો ખેલાડી હાજર હતો. જેના કારણે તે ગોલ ડિસક્વોલિફાય થયો હતો અને ટીમને પેનલ્ટી ફટકારવામાં આવી હતી. પાકિસ્તાનની ટીમના છબરડાને કારણે પણ તેની ઉગ્ર ટીકા થઈ રહી છે.
ઈન્ડોનેશિયા સામેની મેચમાં ભારત તરફથી દિપ્સન તિરકે અને સુદેવ બેલિમગ્ગાએ ૩-૩ અને પવન રાજભાર, એસ.વી. સુનિલ અને સેલ્વમ કાર્થીએ ૨-૨ ગોલ નોંધાવ્યા હતા. ઉત્તમ સિંઘ, સંજીપ ક્સેસ અને બિરેન્દ્ર લાકરાએ ૧-૧ ગોલ નોંધાવ્યા હતા. નોંધપાત્ર છે કે, ભારતે અગાઉ પાકિસ્તાન સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી. જ્યારે તેનો જાપાન સામે ૨-૫થી પરાજય થયો હતો. આ કારણે ટીમ પર બહાર ફેંકાવાનો ભય સર્જાયો હતો.