સોશિયલ મીડિયાથી 29 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની વાત કરી યુવકે શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હતી. યુવતીએ સુરતના રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2019માં રાંદેર વિસ્તારમાં રહેતી યુવતીનો સંપર્ક ફેસબૂક મારફતે અડાજણમાં રહેતા અને અદાણી પોર્ટમાં નોકરી કરતા યુવક ચિરાગ પટેલ સાથે થયો હતો. ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા હતા. ચિરાગે લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ અમદાવાદ અને સાપુતારા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી શેરબજારમાં રોકાણના નામે 60 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા.
યુવતીના આડાસંબંધની જાણ તેના પતિને થઈ જતાં ઝઘડા શરૂ થયા હતા. યુવતીએ જાતે જ પોતાના પતિને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ચિરાગે મધ્યસ્થી થઈને યુવતીના તેના પતિ સાથે છૂટાછેડા કરાવ્યા હતા. દરમિયાન ચિરાગના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતી ચિરાગના ઘરે પહોંચી ગઈ હતી અને લગ્ન કરવા માટે જણાવ્યું હતું.
યુવતી અચાનક પોતાનાઘરે જોઈને ચિરાગ અને તેના પરિવારજનો પણ ચોંકી ગયા હતા.દરમિયાન ચિરાગ અને તેની માતાએ જણાવ્યું હતું કે, અમે તારી જાતિની છોકરી સાથે લગ્ન ન કરીએ, બીજે સારી જગ્યાએ લગ્ન નક્કી કરવાના છીએ. ત્યારબાદ યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી યુવતીએ પોતાના 60 હજાર રૂપિયા પરત માગ્યા હતા. જે આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. જેથી યુવતીએ ચિરાગ, તેની માતા અને તેના એક પિતરાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી મુજબ ફરિયાદ આપી છે.