Satya Tv News

ચોમાસાને ધ્યાને લઇ 6 મહિના માટે 10 નાયબ મામલતદારોને જિલ્લા અને તાલુકા કક્ષાએ ફ્લડ સેલમાં મુકાયા

જિલ્લા અને 9 તાલુકા કક્ષાએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત

ભરૂચ જિલ્લા કલેકટરે આગામી ચોમાસાની મૌસમને ધ્યાને લઇ એક જિલ્લા અને 9 તાલુકા મથકે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે 10 સહિત કુલ 16 નાયબ મામલતદારોની બદલીના આદેશો જારી કર્યા છે.

ઉનાળાની મૌસમ વિદાય લેવા તરફ આગળ ધપી રહી છે. ચોમાસામાં વાવાઝોડા સાથે વરસાદ અને પુરની સંભવત સ્થિતિને ધ્યાને લઈ રાહત બચાવ કામગીરી અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા પુર નિયંત્રણ કેન્દ્રો કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા આજથી 30 નવેમ્બર સુધી 6 મહિના માટે જિલ્લા કક્ષાએ એક અને તમામ 9 તાલુકા મથકે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ કર્યા છે. આ 10 પુર નિયંત્રણ સેન્ટરો ઉપર 10 નાયબ મામલતદારની બદલી કરી ચાર્જ આપવામાં આવ્યો છે.

સાથે જ અન્ય 6 નાયબ મામલતદારોની રજીસ્ટ્રી, મતદાર યાદી અને મહેસુલ વિભાગમાં બદલી કરવામાં આવી છે. આગામી 6 મહિના સુધી 10 નાયબ મામલતદારો જિલ્લા મુખ્ય મથક અને 9 તાલુકા મથકોએ ચોમાસામાં ફ્લડ, વાવાઝોડું, કુદરતી હોનારત અને વરસાદની સ્થિતિ તેમજ આંકડા ઉપર નજર રાખી તંત્રના સંકલનમાં જરૂરી રાહત બચાવની કામગીરીમાં જોતરાયેલા રહેશે.

ભરૂચ જિલ્લામાં સરદાર સરોવર નર્મદા ડેમ, નર્મદા નદી, ઢાઢર, કરજણ સહિતની નર્મદા નદીની ઉપનદીઓને લઈ ચોમાસાની મૌસમમાં વરસાદ અને પુરની સ્થિતિ ઉદભવે છે. ત્યારે વૃક્ષો, મકાનો ધરાશયી થવા, રસ્તાનું ધોવાણ, આકાશી વીજળીના બનાવો પણ બનતા હોય છે.

error: