Satya Tv News

2026થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગુજરાતના સુરતથી બિલિમોરાની વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન 2026માં દોડવી શરુ થઈ જશે

દેશમાં ક્યારે દોડશે બુલેટ ટ્રેન : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ : 2026 સુધીમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જશે : બુલેટ ટ્રેન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને લોકોને પણ બુલેટ ટ્રેન ક્યારથી શરુ થશે તે જાણવામાં ઘણી ઉત્સુકતા છે પરંતુ હવે ખુદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સામે ચાલીને બુલેટ ટ્રેનની લોન્ચિંગ ડેટને લઈને જાહેરાત કરી દીધી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026 થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે. તેમણે કહ્યું કે આ દિશમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમે 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેની પ્રગતિ સારી છે અને અમને આશા છે કે અમે આ લક્ષ્યાંક હાંસલ કરી શકીશું.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન

મુંબઈ અને અમદાવાદ વચ્ચે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. બંને શહેરો વચ્ચેનું કુલ અંતર 508 કિમી છે અને તેમાં 12 સ્ટેશન હશે. આ ટ્રેન બે શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ઘટાડીને ત્રણ કલાક કરી દેશે. અત્યારે છ કલાક લાગે છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 81 ટકા ફંડિંગ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા કરવામાં આવી રહ્યું છે. વૈષ્ણવે દાવો કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 61 કિમીના રૂટ પર થાંભલા ઉભા કરવામાં આવ્યા છે અને 150 કિમીના સ્ટ્રેચ પર કામ ચાલી રહ્યું છે.

લોકોને વિશ્વ કક્ષાની રેલ સુવિધાઓ પૂરી પાડવાનું પીએમ મોદીનું સપનું- રેલવે મંત્રી

રેલ્વે મંત્રીએ કહ્યું કે દેશમાં લોકોને અત્યાધુનિક વિશ્વ કક્ષાની રેલ સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. નવી વંદે ભારત એક્સપ્રેસ, આર્મર પ્રોટેક્શન સિસ્ટમ, બુલેટ ટ્રેન તેમાં સામેલ છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું પ્રતિક છે. તેમણે કહ્યું કે સુરતનું હાઈસ્પીડ રેલ સ્ટેશન 2024માં દોડશે અને આ પ્રોજેક્ટના પ્રથમ ભાગ તરીકે આ ટ્રેન વર્ષ 2026માં બીલીમોરાથી સુરત સ્ટેશનો વચ્ચેના 48 કિલોમીટરના સેક્શનમાં દોડશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તેમાંથી આપણે શું શીખીશું તેના આધારે અન્ય કોઈ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રથમ પ્રોજેક્ટ છે અને તેના અમલીકરણમાં ઘણું શીખવાની જરૂર છે.

error: