Satya Tv News

‘નલ સે જલ’ અને ‘ઉજ્જવલા યોજના’એ ઉમરપાડા તાલુકાના લીમધા ગામના લાભાર્થી ભાનુબેન વસાવાનું જીવન સરળ બનાવ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના યશસ્વી ૮ વર્ષ:

પ્રજાની સુખાકારી અને તેમના હિત માટે સદાય ખડેપગે રહેતી રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિનની સરકારે છેલ્લાં ૮ વર્ષમાં અનેકવિધ કલ્યાણ યોજનાઓથી છેવાડાના માનવીનું જીવન ધોરણ સુધારવાના ભગીરથ પ્રયાસો કર્યા છે. પછી એ દુર કાંઠે વસેલા કોઈ ગામડાના હોય કે સુખસુવિધાઓથી સજ્જ શહેરમાં વસતા લાભાર્થીઓ હોય. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનને સરળ બનાવવા અનેક યોજનાઓને મૂર્તિમંત કરી છે કેન્દ્ર સરકારે. જેનો બહોળો લાભ છેવાડાના નાનકડા એવા ગામોના લોકોને પણ મળી રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આઠ વર્ષ પૂર્ણતાના અવસરે વાત કરીએ એક એવા લાભાર્થીને જેમનું જીવન યોજનાકીય લાભોથી સરળ બન્યું છે.

ઉમરપાડા તાલુકાના લીમધા ગામે વસતા ૫૨ વર્ષીય ભાનુબેન મગનભાઈ વસાવાએ ‘નલ સે જલ’ અને ‘ઉજ્જવલા યોજના’નો સમુચિત લાભ મેળવ્યો છે. તેઓ જણાવે છે કે, પહેલા સુરજ ઉગતાની સાથે જ નદી કિનારે પાણી ભરવા જવું પડતું અને વજનદાર ઘડાઓ ઉંચકી ઘરે આવવું પડતું હતું. મોટો પરિવાર હોવાને કારણે કપડા, વાસણ કે અન્ય જરૂરિયાતો માટે પણ દૂર સુધી જવું પડતું હતું. ગરમીના દિવસોમાં ક્યારેક પાણીની વધુ આવશ્યકતા રહેતી હોવાથી પાણી ભરવા બે થી ત્રણ વાર જવું પડતું. પરંતુ આજે મારા ઘરે જળ જીવન મિશન અંતર્ગત નળ કનેકશન આવ્યું છે. જેથી હવે ઘરે બેઠા પાણીની સુવિધા પ્રાપ્ત થઈ છે. ભલુ થશો નરેન્દ્રભાઈની સરકારનું કે અમ જેવા ગરીબ પરિવારોને ઘરે ઘર નળ વાટે પાણી પહોચાડવાનું સેવાકાર્ય કર્યું છે.

ભાનુબહેનને ઉજ્જવલા યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ કનેકશન પણ મળ્યું છે. તેઓ કહે છે કે, ગેસ મળવાથી રસોઈ સમયે ધૂમાડામાંથી મુક્તિ મળી છે, અને સમયની પણ બચત થઈ છે. હવે સમયસર ધૂમાડામુક્ત રસોઈ બનાવી શકું છું. પહેલા અમે જંગલમાં દૂર સુધી લાકડાઓ લેવા જતા હતા. ગરમીના સમયે ચૂલા પર રાંધવું ખૂબ પીડાદાયક હતું. પણ ઉજ્જવલા યોજનાએ આ તમામ હાડમારીઓથી છૂટકારો અપાવ્યો છે.

આમ, લાખો કરોડો લાભાર્થીઓને ‘ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો મળતાં સરકારને ગરીબો-વંચિતોના આશીર્વાદ મળી રહ્યાં છે.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ

error: