જરાતમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, પછી તે આખલા હોય, ગાય હોય કે રખડતા શ્વાન હોય. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં નાગરિકો રોજેરોજ રખડતા ઢોરોનો ભોગ બની રહ્યાં છે. ત્યારે રાજકોટમાં અરેરાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ઘરની સીમમાં ઘોડિયામાં સૂતેલા 9 માસના બાળકને શ્વાને બચકા ભરતા તેનુ મોત નિપજ્યુ છે.
હવે એમ કહી શકાય કે ઘરનું આંગણુ પણ બાળકો માટે સલામત રહ્યુ છે. તમારા ઘર આંગણે ગમે ત્યારે રખડતા ઢોર આવીને તમારી જિંદગી હણી શકે છે. આવી જ કરુણ ઘટના રોજકોટના ઠેબચડા ગામની સીમમાં બની છે. ઠેબચડા ગામની સીમમાં લક્ષ્મણભાઈની વાડી આવેલી છે, જ્યાં મૂળ મધ્યપ્રદેશના પારસભાઈ વસાવાનો પરિવાર મજૂરી કામ કરીને રહે છે. પારસભાઈ અને તેમની પત્ની વાડીમાં મજૂરીકામ કરી રહ્યા હતા, ત્યારે તેમની 9 મહિનાના બાળક સાહિલને પાસે ઘોડિયામાં સૂવડાવ્યો હતો.
હડકાયા શ્વાનથી બાળકને બચાવવાનો બહુ પ્રયાસ કરાયો, પણ તે નિરર્થક નીવડ્યો હતો. તેના ગળામાંથી લોહી નીકળવા લાગ્યુ હતું. આરે શ્વાને તેને છોડતા લોહી લુહાણ હાલતમાં સાહિલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું હતું. દીકરાના મોતથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું.
સાહિલ ઘોર નિંદ્રામા હતો, અને માતાપિતા મજૂરીકામમાં વ્યસ્ત હતા, ત્યારે સીમનો રખડતો શ્વાન ત્યા આવી ચઢ્યો હતો. તેણે બાળકને ગળેથી ઉંચક્યો હતો અને તેને બચકુ ભર્યુ હતું. આ બાદ સાહિલે રડવાનુ શરૂ કર્યુ હતું. જેથી માતાપિતા અને આસપાસના લોકો બાળકને બચાવવા દોડી ગયા હતા. પરંતુ રખડતા શ્વાને પારસભાઈ અને એક વૃદ્ધાને પણ બચકા ભર્યા હતા.