Satya Tv News

લૂંટારો બેંકમાંથી નીકળ્યા બાદ રિક્ષામાં બેસી નિર્ધારિત જગ્યા પર મૂકેલી સાઇકલ સુધી પહોંચ્યો

ગત સોમવારે મોડી સાંજે 4 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે પેટ્રોલપંપની બાજુમાં આવેલી સુરત ડીસ્ટ્રીક્ટ બેંકની કડોદરા શાખામાં લૂંટની ઘટના બનાવી હતી. ડુપ્લીકેટ બંદૂક લઈને ઘુસેલા એક લૂંટારુએ 4 કર્મચારીઓને બાનમાં લઈ માત્ર 4 મિનિટમાં 6.83 લાખની દિલધડક લૂંટ ચલાવી બેંકને મુખ્ય દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, લૂંટરું પહેલાં રિક્ષા બાદ સાઇકલ લઈને ભાગ્યો હતો. સાઇકલ લઈ હલધરું ગામના રસ્તા તરફ અંદાજીત ત્રણ કિલોમીટર બાદ સાઇકલ છોડી પગપાળા ફરાર થઈ ગયો હતો.

કડોદરા પોલીસનો કાફલો તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહિતના ઉચ્ચ અધિકારીઓ કડોદરા ખાતેની ગુના સ્થળની વિઝીટ લઈ તાબડતોબ ગુનો ઉકેલાય તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા હતા. કડોદરા ચાર રસ્તા પર ભીડભાળ વાળી જગ્યાએ ધોળેદિવસે થયેલી દિલધડક લૂંટથી કડોદરાની પ્રજામાં રીતસરનો ભય ફેલાયેલો જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસની વિવિધ એજન્સીઓ ગુનેગાર સુધી પહોંચવાની એડીચોટીનું જોર લગાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે તપાસેલા વિવિધ CCTV ફુટેજમાં બહાર આવ્યું હતું કે લૂંટારું ઘટનાને અંજામ આપ્યા બાદ વામદોત પેટ્રોલપંપ આગળથી કડોદરા ચાર રસ્તા પરની ચામુંડા હોટલની સામેથી દોડતો હાઇવે ક્રોસ બારડોલી તરફ રિક્ષામાં બેસ્યો હતો. હલધરું ગામના પાટિયા ઉતર્યો હતો, જ્યાં તેણે પહેલેથી રાખેલી સાઇકલ લઈ હલધરું ગામના રસ્તા તરફ અંદાજીત ત્રણ કિલોમીટર બાદ આવતી આરાધના સોસાયટીમાં પાછળના ભાગે પહોંચ્યો હતો. પ્રેમદ્વાર સોસાયટીમાં ગેટમાંથી અંદર પ્રવેશી સોસાયટીને અડીને આવેલા એક ખેતરમાં સાઇકલ નાખી થોડે દૂર તેણે પહેરેલી ટીશર્ટ કાઢી ખેતરમાં નાંખી દીધા બાદ ચાલતો ફરાર થઈ ગયો હોવાનું પોલીસને CCTVની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

પોલીસે ખેતરમાંથી લૂંટારુંની સાઇકલ તેમજ લૂંટારુએ પહેરેલી ટીશર્ટ કબ્જે કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી રીઢો ગુનેગાર હોવાથી ઓળખ છુપાવવા તેમજ પોલીસથી બચવાના પ્રયાસો કર્યા હોવાનું જાણવા મળ્યું હતું

error: