રાજ્ય માં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે તેમજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ત્રાટકેલા 12 ઇંચ જેટલા તોફાની વરસાદના કારણે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગુજરાત રિલીફ કમિશનરે NDRFની 5 ટીમો સ્ટેન્ડબાય કરી દીધી છે.
ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમો રાજ્યના વિવિધ વિસ્તારમાં રવાના કરી દેવાઇ છે. વડોદરાના જરોદ NDRFની 5 ટીમો રાજ્યના વિવિધ વિસ્તારમાં રવાના થઇ ગઇ છે. જેમાં રાજકોટમાં 2, બનાસકાંઠામાં એક અને ભુજમાં એક ટીમ મોકલવામાં આવી છે. સંભવિત બચાવ-રાહત કાર્ય ઝડપથી થાય તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
તાજેતરમાં જ રાજ્યમાં આણંદના બોરસદમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર બોરસદમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજી બાજુ જૂનાગઢના વિસાવદરમાં 6 અને કોયલીમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એવામાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. 4થી 7 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા સેવવામાં રહેલી છે. મધ્ય ગુજરાતમાં પણ એકંદરે સારા વરસાદની શક્યતા રહેલી છે.’ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક જ દિવસની અંદર ગુજરાતના 143 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં ખાબક્યો છે. વાંસદામાં 5 ઈંચ વરસાદ જયારે ખંભાળીયામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખેરગામ, વિરપુર, જૂનાગઢ અને વંથલીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. તો માળીયા, માંડવી, વાપી, નવસારી, તાલાળા અને ઉમરગામમાં પણ વરસાદે રમઝટ બોલાવી.