ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે, કે હવે જીવનુ જોખમ બની ગયુ છે. છતા સરકારને કેમ રખડતા ઢોરો દેખાતા નથી. રખડતી ગાય અને આખલાના આતંક બાદ હવે ગુજરાતની ગલીઓમાં રખડતા કૂતરાઓ કહેર મચાવી રહ્યાં છે. સરકારને હજી કેટલી ઘટનાઓના પુરાવા જોઈએ કે જેથી તે એક્શનમાં આવે. એક તરફ સ્માર્ટિ સિટીના બણગા ફૂંકવામાં આવે છે. પણ સ્માર્ટ સિટીના દ્રશ્યો એવા છે કે, રસ્તાઓ પર વાહનોનો સાથે આખલાઓ પણ સડસડાટ દોડે છે. મોટા કોમ્પ્લેક્સની બહાર રખડતા કૂતરાઓના ટોળા ફરતા હોય છે. તો ક્યાંક કચરા પેટી પાસે રખડતી ગાયો પોતાના માટે ભોજન શોધતી હોય છે. આવા દ્રશ્યો જો રોજ લોકોને જોવા મળતા હોય છે તો પછી સરકાર કે તંત્રને કેમ દેખાતા નથી અને દેખાય છે તો આંખ આડા કાન કેમ કરાય છે.
આમાં આજે વાત કરીએ રખડતા શ્વાનની. રખડતા શ્વાનના હુમલાના બનાવો પણ વધી રહ્યા છે. જેમાં તેઓ સૌથી વધુ નાના બાળકો પર હુમલા કરે છે. રખડતા શ્વાનના આતંકમાં માસુમોની જિંદગી હોમાઈ રહી છે. ત્યારે નાગરિકો અનેક સવાલો પૂછી રહ્યા છે કે, રખડતા શ્વાનને પકડવામાં પાલિકા કેમ નિષ્ફળ છે? કેમ વારંવાર રખડતા શ્વાનના વધી રહ્યા છે હુમલા? શ્વાનના હુમલા વધ્યા બાદ પણ પાલિકા કેમ નિંદ્રાધિન? શ્વાનના હુમલામાં કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે?