અંકલેશ્વરની મોટે ભાગે શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે નરી ઉદાસીનતા
તગડી ફી વસુલ થાય છે પણ વિદ્યાર્થીઓની સલામતી અર્થે આ મુદ્દે
બેદરકારખાનગી ટ્યૂશન ક્લાસીસ, તાલીમ વર્ગો, યોગા કેન્દ્રો, જીમમાં પણ ફાયર સેફ્ટિનો અભાવ
અંકલેશ્વરની મોટાભાગની ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે નરી ઉદાસીનતા જોવા મળી રહી છે. જૂજ જ શાળાઓને બાદ કરતા ફાયર સેફ્ટીની સુવિધાઓ, સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ભાગ્યે જ કોઈક શાળામાં ફાયર સેફ્ટી અંગે વ્યવસ્થા કરવામાં આવી હોય. તો નોટીફાઇડ વિસ્તારની ખાનગી શાળાઓમાં પણ આ અંગેની પરિસ્થિતિ કંઇક સંતોષકારક નથી. આ ઉપરાંત અનેક ખાનગી શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલા કોચિંગ ક્લાસ તેમજ ટ્યુશન ક્લાસમાં પણ ફાયર સેફ્ટી પરત્વે બેદરકારી જોવા મળી રહી છે. જ્યાં ફાયર સેફ્ટીના સાધનો છે ત્યાં તેનો ઉપયોગ કરવાની આવડત અને અન્ય તમામ સાવધાનીઓનો અમલ કેવો, કેટલો થઈ શકે તે અંગે પણ દ્વિધા સભર હકીકત જોવા મળી રહી છે.થોડા વર્ષો અગાઉ સુરતમાં તક્ષશિલામાં આગની ઘટના પછી શાળાઓ કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટી અંગે સરકાર જાગૃત બની હતી પરંતુ થોડા દિવસ પછી એ સમગ્ર મુસદો અભેરાઈએ ચઢાવી દેવાયો છે. કોઈ શહેરમાં કોઈ દુર્ઘટના બને, તે સમયે થોડો સમય ખૂબ જ કડક રહ્યા પછી તંત્રો બેદરકાર થઈ જતા હોય છે, અને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય છે.આમેય ખાનગી શાળાઓમાં શાળા સંચાલકો તો કદાચ તંત્રોને ભાજીમૂળા જ સમજતા હોય, તેમ સરકારી નોટીસોને ઘોળીને પી જતા હોવાની રાવ ઊઠતી રહી છે. અંકલેશ્વરની પાલિકા સંચાલિત ઇ. એન. જીનવાલા હાઈસ્કૂલમાં શાળા ઉપરાંત હવે કોલેજ પણ શરૂ કરી દેવાય છે. પણ ફાયર સેફ્ટી અંગે ત્યાં પણ બેદરકારી જોવા મળી રહી છે. અનેક સ્થાનિક ખાનગી શાળાઓ છે જેઓ તગડી ફી વસુલ કરે છે પણ વિદ્યાર્થીઓની સલામતી અર્થે આ મુદ્દે બેદરકાર બની રહી છે.આ ઉપરાંત ટ્યુશન ક્લાસો, વિવિધ પ્રકારના કોમર્શિયલ તાલીમ વર્ગો, યોગા કેન્દ્રો, જીમ જેવા સામૂહિક વસવાટ થતો હોય તેવા હોસ્ટેલો, ગેસ્ટ હાઉસો વગેરે તમામ સ્થળે પર્યાપ્ત ફાયર સેફ્ટી હોવી જરૂરી છે. અંકલેશ્વર તાલુકા સેવા સદન ની ઈમારતમાં ફાયર સેફ્ટી સિસ્ટમ છે. પરંતુ તેનુ મોનીટરીંગ કરવામાં આવે તો નરી બેદરકારી જોવા મળે છે. આ જ તાલુકા સેવા સદનમાં થોડા મહિનાઓ એક માળ પર અગાઉ લાગેલી આગમાં કથિત ફાયર સિસ્ટમ ની પોલ ઉઘાડી થઈ ગઈ હતી
.બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર