Satya Tv News

અંકલેશ્વરના પિલુદ્રા ગામની ખાડી નજીક ટ્રેકટર તણાયુ
ટ્રેકટરમાં સવાર પાંચ પૈકી ચાર લોકોને બચાવાયા,એક લાપત્તા
એસ.ડી.આર.એફ.જવાનોએ લાપતા વ્યક્તિની શોધખોળ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના પિલુદ્રાગામ નજીક આવેલ વનખાડી પાસેથી પસાર થઇ રહેલ ટ્રેકટર તણાઈ જતા પાંચ પૈકી ચાર લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જયારે એક વ્યક્તિ લાપત્તા બનતા તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

અંકલેશ્વર પંથકમાં છેલ્લા ત્રણ દિવસોથી ખાબકેલ ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.આમલાખાડી અને પિલુદ્રા ગામ પાસેની વનખાડીમાં પાણી ફરી વળ્યા હતા.આજરોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પીલુદ્રા ગામથી ટ્રેકટરમાં સવાર થઇ પાંચ લોકો ખેતરે જતા હતા તે દરમિયાન ખાડીના ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તણાવા લાગતા ટ્રેકટરમાં સવાર લોકોએ બુમરાણ મચાવી હતી જેને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તણાઈ રહેલ ચાર પૈકી ત્રણ લોકોને બચાવી લીધા હતા. જયારે એક વ્યક્તિ લાપત્તા બન્યો હતો.

આ ઘટનામાં પિલુદ્રા ગામના ખેડૂત ૫૦ વર્ષીય ગિરીશ દીપા પટેલ વનખાડીના ધસમસતા પ્રવાહમાં લાપતા બન્યા હતા. જ્યારે ટ્રેક્ટર ચાલક શ્રવણ દુર્લભભાઈ વસાવા, રમેશ લખુભાઈ વસાવા,ચંદ્રેશ અશોક પટેલ, છના ગંભીર વસાવા નો આબાદ બચાવ થયો હતો. દરમ્યાન આ અંગેની જાણ વહીવટી તંત્રને જાણ થતા એસ.ડી.આર.એફના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને લાપત્તા બનેલ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. તો બીજી તરફ ઘટનાની જાણ થતા ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ઘટનાને પાંચ કલાક બાદ પણ લાપતા ગિરીશ દીપા પટેલની શોધખોળ જારી હતી. ઉલ્લેખનીય છે કે ગામને અડીને વહેતી વનખાડી ઉપરથી પસાર થતો કાચો પુલ કે તેના પરથી ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયુ હતુ તે એકમાત્ર ગામમાં અવરજવર માટેનો રસ્તો છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: