ઔદ્યોગિક વસાહતના પ્રશ્નોના નિકાલ માટેનો રોડ મેપ તૈયાર કરવા CMનો આદેશ
ગાંધીનગર ખાતે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી
ઉકેલની દિશામાં રચનાત્મક અભિગમ દાખવીને આદેશો જારી કરાયા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રાણ પ્રશ્નોના નિકાલ માટેનો રોડ મેપ તૈયાર કરવાના આદેશો રાજ્યના મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોને જારી કર્યા હતા.
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગત રોજ તા.૧૫મી જુલાઈએ ગાંધીનગર ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિનિધિ મંડળની બેઠક યોજાઇ હતી, જેમાં જીપીસીબી,ઉદ્યોગ મંત્રાલય, જીઆઇડીસી સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમ્યાન અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગોને કનડગત કરતી સમસ્યાઓના ઝડપી નિકાલની દિશામાં કાર્યવાહી થાય તેવા આદેશો મુખ્યમંત્રીએ જારી કર્યા હતા.
આ બેઠકમાં ખાસ કરીને નોટિફાઇડ વિસ્તારમાં આંતર માળખાકીય સુવિધા ઊભી કરવા સહિત અનેક ઉદ્યોગલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મુખ્ય મંત્રીએ હાજર જે તે વિભાગના સચિવોને આ અંગેનો રોડમેપ તૈયાર કરી તેના ઉકેલની દિશામાં રચનાત્મક અભિગમ દાખવીને આદેશો જારી કર્યા હતા
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર