ભરૂચના સાંસદ અને બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ આમને-સામને,
વિધાનસભાની ચૂંટણી ટાણે શરૂ થયો આક્ષેપોનો દોર
છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કશું જ કર્યું નથી:સાંસદ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે, છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કઈ કર્યું જ નથી. જે નિવેદન સામે બિટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી છે.
મહેશ વસાવાએ સાંસદ મનસુખ વસાવાને ચેલેન્જ ફેકતા સંભળાવી દીધું છે કે, છોટુભાઈ વસાવા ગરીબોના મસીહા છે. તેઓ જીવન પર્યત આદિવાસીઓના જંગલ, જમીન અને બંધારણીય અધિકારો માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે. તેમની એટલે કે સાંસદની છોટુભાઈ સામે ઊભા રહેવાની તો શું બોલવાની પણ હેસિયત નહિ હોવાનું મહેશ વસાવાએ પડકાર ફેંક્યો છે. તો વળી, આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે તેમ પણ આ બિટીપી ધારાસભ્યએ મત વ્યક્ત કરી આદિવાસી પ્રજાની અભૂતપૂર્વ લોકચાહના તેમની સાથે હોવાની પ્રતિ ક્રિયા આપી છે.
ભરૂચ અને નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડા ખાતે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ભાજપના દ્રૌપદી મુર્મુની ભવ્ય જીત થતા યોજાયેલ ઉજવણીમાં જાહેરમાં નિવેદન આપ્યું હતું. ભાજપના સાંસદે છોટુ વસાવા અને મહેશ વસાવાએ આદિવાસીઓ માટે કઈ કર્યું હોય તો મારી સામે આવી બતાવે તેવો લલકાર ફેંક્યો હતો.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર