Satya Tv News

પાર્થ-અર્પિતાના 5 સ્થળ ઉપર EDના દરોડા

અર્પિતા ચેટર્જીના ઘરેથી ફરી મળી રૂપિયા 20 કરોડની રોકડઃ રૂપિયા 1.5 કરોડનું સોનું પણ જપ્ત

4 દિવસ અગાઉ રૂપિયા 22 કરોડ મળેલા

અત્યાર સુધીમાં રૂપિયા 36 કરોડ રોકડ મળી

પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા

પાર્થ ચેટર્જીએ કહ્યું-રાજીનામું શા માટે આપું

પાર્થના રાજીનામા અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાશે

પશ્ચિમ બંગાળના શિક્ષણ કૌભાંડમાં અર્પિતા ચેટર્જીની મુશ્કેલી સતત વધી રહી છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલી ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે ફરી એક વખત તેમના બેલઘરિયા સ્થિત ફ્લેટ ઉપર દરોડા પાડ્યા છે અને તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ જપ્ત કરી છે. બુધવારે જે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં અત્યાર સુધીમાં રૂપિયા 20 કરોડની રોકડ મળી ચુકી છે. તપાસ એજન્સી હજુ વધુ રોકડની ગણતરી કરી રહી છે. ચલણી નોટોને ગણવા માટે ત્રણ મશીન કામે લગાડ્યા છે. આ બાબત પરથી અંદાજ લગાવી શકાય છે કે આ રોકડનું પ્રમાણ કેટલું હશે.

આ ઉપરાંત તપાસ એજન્સીને જ્વેલરી પણ મળી આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્પિતાના સેલ્ફમાંથી ત્રણ કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેની કિંમત રૂપિયા દોઢ કરોડ આંકવામાં આવે છે. એકંદરે અત્યાર સુધીમાં કુલ રૂપિયા 41 કરોડની રોકડ અને અઢી કરોડની જ્વેલરી જપ્ત કરી લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે લે 23 જુલાઈના રોજ પણ EDને મંત્રી પાર્થ ચેટર્જી તથા નજીકના સંબંધી અર્પિતા મુખર્જીના રહેઠાણો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. અર્પિતાના ઘરેથી રૂપિયા 21 કરોડની રોકડ તથા રૂપિયા 1 કરોડની જ્વેલરી મળી આવી હતી. રૂપિયા 500 તથા રૂપિયા 2000ની ચલણી નોટોના બંડલને એક રૂમમાં ભરીને રાખવામાં આવ્યા હતા. એજન્સીને આ સાથે દસ્તાવેજ પણ મળી આવ્યા છે. ત્યારબાદ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં કુલ રૂપિયા 41 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત અર્પિતાના ઘરેથી વધુ રૂપિયા 1.5 કરોડનું સોનું પણ મળી આવ્યું છે.

EDએ બુધવારે મંત્રી પાર્થ ચેટર્જી તથા તેના નજીકની અર્પિતા મુખર્જીના રહેઠાણો પર ફરી વખત દરોડા પાડવામાં આવ્યા છે. અહેવાલો પ્રમાણે પાર્થ અને અર્પિતાના 5 રહેઠાણો ખાતે EDએ દરોડા પાડ્યા છે. EDની ટીમે કોલકાતા તથા તેની આજુબાજુના પાંચ સ્થળો, ઉત્તર 24 પરગણા જિલ્લાના બેલઘરિયા તથા રાજડાંગામાં અર્પિતાની ઓફિસ, સંબંધીઓના ઘરે તથા અન્ય ફ્લેટ્સ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

પાર્થ અને અર્પિતાને બુધવારે કોર્ટના આદેશ પર 48 કલાક બાદ ફરી વખત મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. બે કલાક સુધી ચાલેલા ચેકઅપ બાદ જ્યારે તેઓ પરત આવ્યા તો પત્રકારોએ વારંવાર તેમને મંત્રી પદ પરથી રાજીનામું આપી દેવા અંગે પૂછ્યું હતું. આ અંગે પાર્થે જોરથી બૂમ પાડીને કહ્યું કે હું રાજીનામું શા માટે આપું, તેની પાછળનું કારણ તો કહો.

પાર્થ ચેટર્જીની ધરપકડના 5 દિવસ થઈ ચુક્યા છે, જોકે તેમના પાર્ટીમાં મહાસચિવ પદ, માહિતી ટેકનોલોજી તથા પરિષદ વિભાગ, વાણિજ્ય મંત્રી પદ પર યથાવત છે. વિપક્ષ પાર્થને હટાવવાની માગ કરી રહ્યા છે. દરમિયાન પાર્થે પણ મંત્રીને મળતી ગાડી પરત કરી દીધી છે.

error: