અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી ગયું હોય અથવા લઈ જતાં પડી ગયું હોય તેવી શંકા આસપાસના સ્થાનિક રહીશો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે મહાદેવના મંદિરની બહાર કતલ કરેલું ગૌવંશ મળી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.હિન્દુ સંગઠનો અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.તેઓ દ્વારા આજે ઈસનપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે ધીરે ધીરે વિસ્તારમાં દુકાનો બંધ થઈ રહી છે.
સવારના સમયે મોટી સંખ્યામાં લોકો મંદિર પાસે ભેગા થઇ ગયા હતા અને આ રીતે ગૌવંશની કતલ કરનારા આરોપીને 24 કલાકમાં ઝડપી પાડવા માટે માંગણી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી નજીક ભગવાન નગર સોસાયટીની બહાર ગૌવંશનું માથું અને તેનાથી આગળ મનસાપૂર્ણ મહાદેવ મંદિરની બહાર લોકોએ રોડ ઉપર ગૌવંશના ટુકડા જોયા હતા. પ્લાસ્ટિકના થેલામાં અને કાગળમાં વાળીને આ ટુકડા ત્યાં રોડ ઉપર પડેલા જોઈ અને સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા.