સુરતમાં માતા-પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની શંકા
ઘરકંકાસમાં આપઘાત કર્યો હોવાની શક્યતા, દીકરાનો પંખે અને માતાનો હુંક સાથે ફાંસો, ભાઈ બહેન અને ભાણિયાને લટકતા જોઈને સ્તબ્ધ
સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા ઝાંઝમેરા પરિવારની માતા અને ત્રણ વર્ષના પુત્ર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા માતા અને પુત્રએ આપઘાત કરી લીધો હોવાની ઘટના બનતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં માતાએ દીકરાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
વેડ રોડના પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે ઝાંઝમેરા પરિવાર રહેતો હતો. માતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. જે પ્રકારે મૃતદેહ ઘરમાં જોવા મળ્યા હતા તેના પરથી પ્રાથમિક શંકા સેવાઈ રહી છે કે માતાએ ત્રણ વર્ષના પુત્રને ગળેફાંસો આપી પોતે પણ આપઘાત કરી લીધો છે. ચોક બજાર પોલીસને જાણ થતાની સાથે જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જનેતાએ પોતાના જ બાળકની હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ કાઢવામાં આવી રહ્યું છે.
ચોક બજાર પોલીસે જણાવ્યા મુજબ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેમના પુત્ર દેવાંશ ઝાંઝમેરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માતા અને પુત્રના મૃતદેહને નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમના પતિ રાકેશ ઝાંઝમેરાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે તેમજ આસપાસના લોકોના સાથે પણ તપાસ સાથે પૂછતા જ કરવામાં આવી છે. પ્રાથમિક ધોરણે ઘરકંકાસમાં આપઘાત કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
યોગીતાબેનને બે દીકરાઓ છે. જ્યારે આ ઘટના બની ત્યારે તેમના ભાઈને સૌપ્રથમ જાણ થઈ હતી. કારણ કે તે ત્યાં પહોંચ્યો હતો. કોઈ કામને લઈને અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં પણ દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. ભાઈને શંકા જતા ભાઈએ ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ પોતાની બહેન અને ભાણિયાને લટકતા જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો.