ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઑના ખાતામાં કાતર ફરે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
કેબિનેટમાં ફરી થઇ શકે છે ફેરફાર , વધુ કેટલાક મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર, 5 જેટલા મંત્રીઓના ખાતામાં થઇ શકે છે બદલાવ : સૂત્ર,
ગઈકાલે બે કેબિનેટ મંત્રીઓના ખાતા પરત લેવાયા હતા, બંને મંત્રીઓની કામગીરી સંતોષકારક રહી ?
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને રાજકીય ગતવિધિઑ તેજ બની છે. તેવામાં ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા ગઈકાલે મોટા ફેરફાર કરાયા હતા. જેમાં રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે. જેને લઇને રાજકારણમાં ચર્ચા જાગી છે. ત્યાં ફરી કેબિનેટમાં ફેરફાર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
સૂત્રોનું માનવામાં આવે તો વધુ કેટલાક મંત્રીઓના ખાતામાં ફેરફાર કરવામાં આવી શકે છે. 5 જેટલા મંત્રીઓના ખાતામાં કાતર ફેરવી બદલાવ કરવામાં આવે તેવી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. મંત્રીઑની નબળી કામગીરીને ધ્યાને રાખી વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર મોટો નિર્ણય લેવાશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ચૂંટણીલક્ષી મોટી જવાબદારીને કારણે કામના ભારણને ઘટાડવાનું આગળ ધરી ગઇકાલે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું પરત લેવાયુ હતુંઅને હવે હર્ષ સંઘવીને મહેસુલ ખાતુ સોંપવામા આવ્યું છે. વધૂમાં પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન પરત લઇ જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. જ્યારે કેબિનેટ મંત્રાલયનો ચાર્જ મુખ્યમંત્રી પાસે રખાયો છે.
મહત્વનું છે કે, અત્યાર સુધી બંને મંત્રીઓની કામગીરીનું પર્ફોમન્સ સારૂ છે. મહત્વના ખાતાઓ પર બંને મંત્રીઓએ યોગ્ય પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ઘણા ચર્ચામાં પણ રહી ચૂક્યા છે. તેઓ સરપ્રાઈઝ વિઝિટ લેવા માટે અને કામગીરી પર દેખરેખ માટે સ્વયં સરકારી ઑફિસોની મુલાકાત લેવા માટે સમાચારોમાં ચમક્યા હતા.
તો પૂર્ણેશ મોદીએ રોડની કામગીરી માટે વોટ્સએપ નંબર જાહેર કરીને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કર્યા હતા. આ બન્નેની કામગીરી એકંદરે સારી રહી હતી. તેવામાં ફરી કેબિનેટમાં ફેરફાર થાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.