ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ જુના નેશનલ હાઇવે પર વાહનોની સંખ્યામાં વધારો થયો છે પણ અંકલેશ્વરમાં ઓએનજીસી ઓવરબ્રિજ પાસેનું ગરનાળુ નાનુ પડતું હોવાથી પીકઅવર્સમાં ટ્રાફિકજામ થઇ જાય છે. આ સમસ્યાના નિવારણ માટે ગરનાળાને પહોળું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની નીચે આવેલાં ગરનાળાને પહોળુ કરવાની કામગીરી 15 સપ્ટેમ્બરથી શરુ થશે. રાજય સરકારે આ કામગીરી માટે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ભરૂચ – અંકલેશ્વર જોડાતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર આ ગરનાળુ મહત્વનું છે.
ગરનાળાને પહોળુ કરવામાં આવ્યાં બાદ જુનો નેશનલ હાઇવેની પણ પહોળાશ વધશે જેનાથી વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. ઓએનજીસી ઓવરબ્રિજ નેશનલ હાઇવે 48ને અંકલેશ્વર શહેર સાથે પણ જોડે છે. ઓએનજીસી બ્રિજ નીચે ટવીન સેલ આર.સી.સી બોક્સ સ્ટ્રક્ચર ના બાંધકામ ની કામગીરી માટે 15.40 કરોડ રૂપિયા ની રકમ ની ફાળવણી કરી દીધી છે.
માર્ગ અને મકાન વિભાગ અધિકારી એ સતીષ મોદીએ જણાવ્યું હતું કે આ કામગીરી આગામી 15મી સપ્ટેમ્બર થી શરુ થઇ જશે જેમાં બ્રિજ નીચે હવે રોડ 6 લેન બનશે જેનાથી ટ્રાફીક ભારણ પણ હળવું થશે તેમજ ઓવર બ્રિજ મજબૂતીકરણ પણ સાથે કરવામાં આવશે.