Satya Tv News

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે. ત્યારે આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી ગયા છે. આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. હાલમાં વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં NSUIના કાર્યકરોએ AMTS બસ અને ઇન્ડિયન ઓઇલની ટ્રક રોકી હતી.પોલીસ આવતા જ કાર્યકરો ભાગી ગયા હતા તો કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અટકાયત કરાઈ.

આંકલાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો દ્વારા વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયરો સળગાવ્યા હતાં. પોલીસે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી

ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી.બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી.કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવીજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા છે.રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બીજી તરફ અમદાવાદમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

રાજકોટમાં NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા મુદ્દે અટકાયત કરવામાં આવી છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ અને એન.એસ.યુ. આઈ ના નેતાઓને કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. તે ઉપરાંત શહેરમાં દુકાનો અને ઓફિસો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ હતી.ગુંદાવાળી વિસ્તારમાંથી કોંગ્રેસ નેતા અશોકભાઈ ડાંગર અને કાર્યકરોની અટકાયત કરાઈ છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં કોંગ્રેસના નેતા રાજેન્દ્ર પટેલ, મહિલા પ્રમુખ SC/ST સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠળિયા સહિતના કાર્યકરો દ્વારા દુકાનો તથા ઓફિસો બંધ કરાવવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ઓફિસ બંધ કરાવ્યા બાદ દુકાનદારોનું ફૂલનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.બીજી તરફ જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફીસ બહાર પેહલેથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ કરવા બહાર આવતા ડીટેન કરવામાં આવ્યા હતા.નવરંગપુરાના સી.જી. રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાટકેશ્વર સર્કલ પાસેની હોટેલ બંધ કરાવવામાં આવી છે.

NSUIના કાર્યકરોએ સવારથી શહેરમાં સી.યુ. શાહ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. બીજી તરફ શહેરના નરોડા વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ જગદીશ ઠાકોર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બંધ કરાવવા નીકળ્યા હતા. કોલેજો બંધ કરાવી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી. હાલમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં બંધ પાળવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. એમાં હવે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત બંધનું એલાન કરાયું છે, જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિયેશનને મળી વિનંતી કરી હતી. સરકાર દ્વારા હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધ જાહેરાત કરાઇ છે.

ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંશિક બંધ રાખવા વેપારી મંડળોને રજૂઆત કરવામાં આવી છે. ઘઉં, દૂધ, દહીં, તેલ, ગોળમાં જીએસટીનો વધારો અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવવધારાને કારણે સર્જાયેલી આ સ્થિતિના વિરોધમાં આપવામાં આવેલા આ સાંકેતિક બંધને વેપારી મંડળો અને નાગરિકો ટેકો આપે એ માટે કોંગ્રેસ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. આજે વિવિધ સ્થળે કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન પણ કરશે.

error: