Satya Tv News

સનાતનીઓને 2 દિવસમાં ન્યાય આપવા ગૃહમંત્રીની હૈયાધારણાં છતાં 7 દિવસથી વિવાદ ઉભો ને ઉભો

આંદોલનના 7 મા દિવસે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ, આજે ઉપવાસના સમર્થનમાં વિશાળ રેલી

પાલિતાણાના શેત્રુંજી પર્વત પર આવેલા મહાદેવના મંદિરોમાં સાધુ-સંતોને પૂજા-અર્ચના અને રાત્રિ રોકાણ ન કરવા દેવાના મામલે સનાતની સાધુ અને શિવભક્તોએ ઉપવાસ આંદોલન છેડયું છે. ધર્મના મુદ્દે ઉભા થયેલા વિવાદે ભાજપમાં ભૂકંપ સર્જ્યો છે. છેલ્લા એક સપ્તાહ જેટલો સમય થવા છતાં વિવાદનો સુખદ નિવેડો ન આવતા આંદોલનના સમર્થનમાં ભાજપના ૬૦થી વધુ હોદ્દેદાર-કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે.

પાલિતાણામાં પવિત્ર શેત્રુંજી પર્વત ઉપર નિલકંઠ મહાદેવજીનું અને નીચે પ્રગટનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ બન્ને મંદિરમાં સાધુ-સંતો અને શિવભક્તોને રાત્રિ રોકાણ કરવા દેવાની મનાઈ તેમજ શિવજીને શણગાર ન કરવા દેવા ફતવો જાહેર કરાયો છે. જેના કારણે સનાતનીઓમાં ક્રોધનો જવાળામુખી ફાંટયો હતો અને સ્વામી શરણાનંદ અને શિવભક્તો ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા. આ વિવાદ વધુ વકરી શકે તેવો ભય પારખી ગયેલા મુખ્યમંત્રીએ ગુજરાતના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પાલિતાણાનો વિવાદ બે દિવસમાં ઉકેલવા હૈયાધારણાં આપી હતી.

આ ઉપરાંત ગૃહમંત્રીએ પણ સુચના જારી કરી દીધી હોવા છતાં કોઈ જ સમાધાન ન થતાં સ્થાનિક ભાજપના કાર્યકરોમાં પણ રોષ ભરાયો હતો અને પોતે જે સરકાર બનાવવા લોહનું પાણી કર્યું તે સરકાર જ જો ન્યાય કરવામાં કાચી પડતી હોય, તો તેના હોદ્દા રાખવાનો કોઈ અર્થ નથી. જીવનની ઊર્જા નકામા કામ અને નેતાઓ પાછળ વેડફવા કરતા અન્ય સારા કાર્યોમાં વાપરવી જોઈએ તેવા વિચાર સાથે તાલુકા પંચાયત, શહેર-ગ્રામ્ય સંગઠન યુવાન ભાજપના ૬૦થી વધુ કાર્યકરોએ સંગઠનને પદ પરથી સ્વૈચ્છિક રાજીનામાં ધરી દીધા હતા.

વધુમાં આજે શુક્રવારે આંદોનના સાતમા દિવસે જિલ્લા કલેક્ટર સાથે પણ બેઠક યોજાઈ હતી. પરંતુ તે બેઠક પણ નિષ્ફળ નિવડી છે. હવે આવતીકાલ તા.૧૦-૯ને શનિવારે સવારે ૧૦-૩૦ કલાકે વિવિધ સંગઠનો, જ્ઞાાતિ મંડળો ઉપવાસના સમર્થનમાં બજરંગદાસ બાપા ચોકથી વિશાળ સમર્થન રેલી કાઢી છાવણી સ્થળ ભૈરવનાથ ચોકમાં પહોંચી ધર્મસભા યોજશે. જેમાં જૂનાગઢ અખાડાના સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનિય છે કે, સ્વામી શરણાંનદજી છેલ્લા એક સપ્તાહથી અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા છે. તેમની તબિયત નાદુરસ્ત થવા લાગતા આરોગ્ય વિભાગની એક ટીમને રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહી સમયાંતરે મેડીકલ ચેકઅપ કરવા હુકમ કરાયો છે. વધુમાં આજે બે હજાર જેટલા લોકોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.

error: