સુરત સચિન GIDCમાં બોઇલર બ્લાસ્ટની ઘટનામાં બાદ આજે વધુ 3 મજૂરોએ દમ તોડતા કુલ મૃત્યુઆંક 4 થયો છે.
સુરત સચિન GIDCમાં આગનો મામલો
વધુ 3 શ્રમિકોના સારવાર દરમ્યાન થયા મૃત્યુ
સુરતની સચિન GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગવાની ગોઝારી ઘટના સામે આવી હતી. બોઇલર બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આગની આ દુર્ઘટનામાં 4 માનવ ઝીંદગી હોમાઈ જતાં હાહાકાર મચી જવા પામ્યો છે. સારવાર હેઠળ રહેલા વધુ 3 લોકોએ આજે દમ તોડી દેતા મૃત્યુઆંક 4 થયો છે.
રિપોર્ટ અનુસાર સુરતમા ગત મોડી રાત્રે સચિન GIDCમાં અનુપમ રાસાયણિક ઇન્ડિયા લિમિટેડ ફેકટરીમાં આગ લાગી હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે સમયે લાગેલી આગે જોત જોતાંમાં વિકરાળ રુપ ધારણા કરી લેતા ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને લઇને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન આગની લપેટમાં આવેલા એક મિલ કામદારનું મોત નીપજ્યું હતું.
આ દરમિયાન ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવતા 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ દોડી આવી અને અવિરત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 લોકો દાજયા હોવાનું સામે આવ્યું હતું આથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા આજે ચાર મજૂરોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યા હતા.બીજી તરફ આ મામલે સચિન GIDC પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.