Satya Tv News

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસો તેજ કરી દીધા હોવાની માહિતી સામે આવી છે. સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં બંને વજનદાર નેતાઓ ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અને લોકોને પોતાની તરફ વાળવાના પ્રયાસો કરશે

સુત્રોના જણાવ્યા પ્રમાણે, હવે 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધીમાં કુલ મળીને પાંચ દિવસ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેમના સંભવત કાર્યક્રમો અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ તા. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ અને તા. 9થી 11 ઓક્ટોબર દરમિયાન એમ કુલ 5 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ 10 થી વધુ સભાઓ સંબોધશો તેમ મનાઇ રહ્યું છે.
સુત્રોએ ઉમેર્યું કે, નવરાત્રી દરમિયાન પીએમ મોદી પ્રથમ આવશે. જેમાં 29 – 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી પોતાના ગુજરાતમાં સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેશે. જે બાદ તેઓ 9મી ઓક્ટોબરના રોજ તેઓ મોડાસા જાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. તે પછી 10 ઓક્ટોબરના રોજ તેઓ જામનગર અને ભરૂચ અને 11 ઓક્ટોબરના રોજ રાજકોટના જામ કંડોરણાના પ્રવાસે આવવાના હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્ય માટે વિકાસના અનેક કાર્યોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. ગૃહમંત્રી આગામી 27મી સપ્ટેમ્બરે, બીજા નોરતે ગુજરાતમાં આવશે. તેઓ ગાંધીનગરના કલોલ ખાતે કામદાર રાજ્ય વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરશે. આ બિલ્ડિંગને છેલ્લા ઘણાં સમયથી ખાલી કરાવવામાં આવ્યું હતું અને અમિત શાહના કાર્યક્રમને પગલે તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે. તે સિવાય તેઓ પોતાના વતન માણસાની મુલાકાત લેશે અને નવરાત્રી દરમિયાન સહપરિવાર માતાજીની આરતીમાં હાજરી આપશે.
આમ, ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન અને ગૃહમંત્રીની મુલાકાત તેજ બની છે. ગુજરાતની ચૂંટણી પર હરકોઇની નજર છે.

error: