Satya Tv News

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ ખાતે સુરતના 5 યુવાન મોટી દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ નજીક દરિયાની મજા માણવા ગયા હતા. ભરતીના સમયે દરિયામાં નાહવા પડેલા પાંચ યુવક ડૂબવા લાગતાં અન્ય સહેલાણીઓએ બૂમાબૂમા કરી હતી. ઘટનાની જાણ દમણ ફાયરબ્રિગેડને થતાં તરત દરિયાકિનારે પહોંચી બે યુવકને બચાવી લીધા હતા. જોકે ત્રણ યુવક લાપતા થતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ સહેલાણીઓની પસંદગીનો પ્રથમ સ્થળ બની રહ્યું છે. દમણ ખાતે આવેલા સહેલાણીઓ પૈકી સુરતના 5 યુવક દમણ ખાતે ફરવા આવ્યા હતા. મોટી દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ પાસે દરિયામાં નાહવાની મજા માણી રહ્યા હતા. ભરતીનો સમય હોવાથી 5 યુવક દરિયામાં ડૂબવા લાગ્યા હતા. જેથી દરિયાની મજા માણતા અન્ય સહેલાણીઓએ બૂમાબૂમ કરતાં સ્થાનિક વેપારીઓએ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક દમણ ફાયરબ્રિગેડ અને મોટી દમણ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

દમણ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. દમણના દરિયામાં ડૂબેલા 5 યુવાન પૈકી 2 યુવકને દમણ ફાયરબ્રિગેડની ટીમે દરિયાના પાણીમાંથી સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી હતી. હજુ 3 યુવક દરિયામાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દમણ ફાયરબ્રિગેડની ટીમ બોટની મદદ લઇ મધદરિયે જઈને યુવકોનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરી રહી છે. ઘટનાસ્થળ દમણ SP અમિત શર્મા, ડેપ્યુટી કલેકટર મોહિત મિશ્રા, મોટી દમણ PSI વિશાલ પટેલ, SDPO રજનીકાંત અવધિયા સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

દમણ ફાયરબ્રિગેડ દ્વારા જે બે યુવકને બચાવી લેવામાં આવ્યા છે તેઓ નશો કરેલી હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ બંને યુવકની પૂછપરછ કરી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

error: