કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મૂહુર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી અને વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે. માત્ર એટલું જ નહીં, અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતમાં 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં 26મીએ કુલ 6 જેટલા જ્યારે 27મીએ 7 કાર્યક્રમો છે. ત્યાર બાદ PM મોદી 29 અને 30મીએ ગુજરાતના પ્રવાસે આવશે અને 7 જેટલા કાર્યક્રમોમાં સામેલ થશે.
26 સપ્ટેમ્બરે અમિત શાહ પોતાના સંસદીય ક્ષેત્ર વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. સવાર 9 વાગ્યે આ કાર્યક્રમમાં સામેલ થશે. ત્યાર બાદ બપોરે એક વાગ્યે બાવળામાં નળકાંઠાના ખેડૂતોના સંમેલનમાં હાજરી આપશે. તેમજ AMC નિર્મિત સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું લોકાર્પણ તેમજ 2140 EWS આવાસો અને શકરી તળાવના રિનોવેશન કાર્યનું ખાત મૂહુર્ત કરશે. 27 સપ્ટેમ્બરે ગાંધીનગરના કલોલમાં રાજ્યકામદાર વીમા યોજનાની 150 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
જ્યારે બીજા નોરતે બપોરે 12 વાગ્યે રૂપાલ વરદાયિની માતાજીના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારા ખુલવા પ્રસંગે હાજર રહેશે અને માતાજીના દર્શન કરશે. તેમના વતન એવા માણસામાં સાંજે 7.30 કલાકે બહુચરાજી માતાજીના દર્શન અને આરતી કરશે.
અમિત શાહના ગુજરાત પ્રવાસના બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે અમદાવાદ અને સુરતની મુલાકાત લેશે. અમદાવાદમાં તેઓ નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. જ્યારે સુરતમાં રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ, BRTS ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ.9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-2ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, પ્રધાનમંત્રી ડ્રીમ સિટીના કુલ રૂ.369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. આ બાયોડાયવર્સિટી પાર્કમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઇલ્સ બનાવવામાં આવશે. અહીંયા કુલ 85 જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ 6 લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાંઓ રોપવામાં આવશે. રૂ.139 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. ઉપરાંત, પાર્કની જાળવણી, બાગાયત તેમજ હાઉસ કીપીંગ માટે કર્મચારીઓની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.
આ ઉપરાંત 29મી સપ્ટેમ્બરે ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ સીએનજી પોર્ટ 4 હજાર 24 કરોડના રોકાણ સાથે ક્લીન એનર્જીથી ઉર્જાની માંગને પહોંચીવળશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરશે,જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. પ્રધાનમંત્રી એપીપીએલનુંપણ ઉદઘાટન કરશે. ખારીકટ ફતેહવાડી કેનાલના પિયત ક્ષેત્રનો સરદાર સરોવર યોજનામાં સમાવેશ કરવા પર યોજાનારા આભાર કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
PM મોદી 30મી સપ્ટેમ્બરે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે. આ ઉપરાંત અમદાવાદ મેટ્રોના ફેઝ 1નું ઉદ્ઘાટન પણ કરશે. ત્યાર બાદ મા અંબાના દર્શન કરવા અંબાજી જશે. વિકાસકાર્યોના લોકાર્પણ બાદ ગબ્બરની મહાઆરતીમાં ભાગ લેશે.