આજે સોમવારથી મા શક્તિના પાવન પર્વ નવરાત્રિનો શુભારંભ થયો છે, જેને પગલે યાત્રાધામ અંબાજીમાં મા અંબાના શરણે પ્રથમ નોરતે શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. મોટી સંખ્યામાં અંબાનાં ચરણોમાં શીશ નમાવવા ભક્તો પહોચતાં સમગ્ર અંબાજી વહેલી સવારથી જ શક્તિમય બની ગયું છે. બોલ મારી અંબે, જય જય અંબે…ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે.
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. અંબાજીમાં દર્શન માટે દૂર દૂરથી હજારો-લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. આજે સોમવારે નવરાત્રિના પ્રથમ દિવસે માઈ ભક્તો અંબાજી પહોંચી મા અંબાનાં દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મા અંબાનાં દર્શન અને મા અંબાની આરાધના કરવા માટે મોટી સંખ્યામાં લોકો અંબાજી પહોંચ્યા છે.
શક્તિની નગરી અંબાજી આજે બોલ મારી અંબે, જય જય અંબે…ના નાદથી ગુંજી ઊઠી છે. તો અંબાજી મંદિરનો ચાચરચોક માઇભક્તોથી ઊભરાયો છે. આજે અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવશે. ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપનાની વિધિ યોજવામાં આવશે.