Satya Tv News

માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ.. રાજકોટમાં સોમવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લોકોએ મન ભરીને નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ નોરતાના દિવસે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી મન ભરી ગરબાનો આનંદ માણ્યો હતો. ત્યારે દિવ્ય ભાસ્કર આપને બતાવી રહ્યું છે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સૌથી પ્રખ્યાત એવા રાજકોટ NCC દાંડિયા એટલે કે નીલ સિટી ક્લબ દાંડિયા- 2022નાં આકાશી દૃશ્યો, જ્યાં 10 હજાર ખેલૈયા મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા.

બે વર્ષ પછી શરૂ થયેલી નવરાત્રિના પ્રથમ નોરતાના દિવસે રાજકોટ દિવ્ય ભાસ્કરની ટીમ શહેરના નવા રિંગ રોડ પર રેડિયસ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી, જ્યાં પ્રથમ દિવસે જ લગભગ 10,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવાર, સગાં-સબંધીઓ તેમજ મિત્રો સાથે મળી પહેલા નોરતે જ ખૂબ ધમાલમસ્તી સાથે ગરબા રમી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

પ્રથમ માતાજીની આરતી કરી, ત્યાર બાદ ગરબાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેલૈયા પ્રથમ ફોર સ્ટેપ, ત્યાર બાદ સિક્સ સ્ટેપ, એ પછી ટીટોળો, ટપો ડાકલા અને છેલ્લે ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. એ બાદ 20 મિનિટ સુધી ડીજેનો રાઉન્ડ પણ હતો, જેમાં મુંબઇની લેડી ડીજે દ્વારા રાજકોટવાસીઓને ડીજેના તાલે ઝુમાવવામાં આવ્યા હતા અને અંતમાં વંદેમાતરમ સ્ટેપ એટલે કે રાજકોટના દરેક ખેલૈયાનુું મનપસંદ સ્ટેપ રમી દેશભક્તિના રંગમાં રંગાઈ પ્રથમ નોરતાનો છેલ્લો રાસ રમ્યા હતા.

error: