બિસ્માર રસ્તાથી પ્રસૂતાનો જીવ જોખમમાં મુકાયો હતો
નેત્રંગ અને અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવેના રીપેરીંગમાં લાલીયાવાડી ચાલતી હોવાની ફરિયાદ ઉઠી છે. શ્રમજીવીઓ રોડ પરના ખાડાઓ પુરતાં પુરતા આગળ જાય છે તેમ પાછળ ફરીથી ખાડાઓ પડી રહયાં છે. ચોમાસામાં પ્રારંભે જ અંકલેશ્વરથી મહારાષ્ટ્ર તરફ જતો સ્ટેટ હાઇવે બિસ્માર બની ગયો છે. મસમોટા ખાડાઓના કારણે અકસ્માતના અનેક બનાવો બની ચુકયાં છે અને દંપતિ તથા તેમની પુત્રીને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. બિસ્માર રસ્તાના કારણે હોબાળા તથા આંદોલનોના કારણે તંત્રએ ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરાવી છે પણ તેમાં લાલીયાવાડી ચાલતી હોવાની ફરિયાદ ઉઠી છે.
શ્રમજીવીઓ ખાડાઓ પુરતા પુરતા આગળ જાય છે અને પાછળ ફરીથી ખાડા પડી રહયાં છે.ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં કેટલીય વખત ખાડાઓ પુરવામાં આવ્યાં છે પણ ફરીથી ખાડાઓ પડી રહયાં છે. હાલ પણ ખાડાઓ પુરાય રહયાં છે પણ એક જ વરસાદમાં રસ્તો ફરી ખખડધજ બની જવાની ભિતી સેવાઇ રહી છે. વરસાદ પડે ત્યારે વાહનો ખાડામાં પડે છે જ્યારે વરસાદ બંધ રહે ત્યારે આખા રસ્તે ધુળ ઉડતાં વાહનચાલકોનો બંને બાજુથી મરો થાય છે.
મારી દીકરીની પહેલી પ્રસુતિ હોય અમારે તાત્કાલિક અંકલેશ્વર દવાખાને જવાનું થયું હતું પણ ખરાબ રસ્તાના કારણે દવાખાને બે કલાકે પહોંચ્યા હતા અમારો જીવ અધ્ધર થઈ ગયો હતો.આવીતો કેટલીયે મહિલાઓને યાતનાઓ વેઠવી પડતી હશે.