વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ છે. આજે શહેરમાં 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન સુરતીઓનો મિજાજ અને વિકાસના સહયોગને બિરદાવશે, તિરંગા માટે શાબાશી આપશે.
ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર મેગા રોડ શો યોજાયો છે. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકો પુષ્પવર્ષાથી વધાવશે. રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. 1 કલાક જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. હાલ મોટી સંખ્યામાં રોડ-શો અને સભા સ્થળે લોકો પહોંચી રહ્યા છે.
સુરતની લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજ રહે છે. ભાજપ પ્રદેશ સીઆર પાટીલના લોકસભાનો આ વિધાનસભા વિસ્તાર છે. નરેન્દ્ર મોદીના આગમનને લઈને મહારાષ્ટ્ર સમાજમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન ઉપર મહારાષ્ટ્રીયન સમાજના બાળકો દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
રોડ શો રૂટ પર બેરિકેડિંગ સહિતની તૈયારી કરાઈ છે. સમગ્ર રૂટ પર 8 કલાક પૂર્વેથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તમામ ક્રોસિંગ પર CCTV દ્વારા મોનિટરિંગ થશે. એટલું જ નહીં પણ રોડ શો દરમ્યાન માર્ગ પર કોઇ પશુ પણ વચ્ચે આવી ન શકે તે રીતે રહેણાંક વિસ્તારોની ફૂટપાથ આડે જાળીઓ ફિટ કરાઇ છે.
સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે વ્યવસાયિક આદાનપ્રદાન તેમજ મુસાફરોની હેરફેર માટે 70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરીના ટર્મિનલનું લોકાર્પણ કરાશે. બે વર્ષ અગાઉ હજીરાના અદાણી પોર્ટ ટર્મિનલ પર કામચલાઉ ધોરણે રોરો, રોપેક્ષ ફેરી શરૂ કરાઈ હતી. હવે પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા હજીરા ખાતે નવ નિર્મિત ટર્મિનલ પર ફેરી સેવા ઉપલબ્ધ બનશે.
ગોડાદરા ચાર રસ્તાથી, મહારાણા પ્રતાપ, કંઠી મહારાજ, રામજાનકી મંદિર, સંજયનગર, નીલગીરી સર્કલ, નવાનગર સુધી બન્ને તરફના મુખ્ય માર્ગો તથા સર્વિસ રોડ પર વાહનોની અવર-જવર કરવા તથા પાર્કિંગ કરવા પર સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.
ગોડાદરા ચારરસ્તાથી, મહાવીર મોબાઇલ, બાબા વૈધનાથ મંદિર ત્રણ રસ્તા, રામનગર, સંજયનગર ચોકી, નીલગીરી સર્કલ, નવાનગર સુધી બન્ને મંર્ગો તથા સર્વિસ રોડ પર વાહનો પર પર સવારે 7 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.