Satya Tv News

ભરૂચમાં પાતાળકૂવામાં બિરાજમાન સિંધવાઇ માતાનું મંદિર બન્યું

ભરૂચના શકિતનાથ વિસ્તારમાં આવેલાં પાતાળકુવામાં સિંધવાઇ માતાજી બિરાજમાન હતાં અને હાલમાં માતાજીને મંદિરમાં સ્થાપિત કરાયાં છે. હાલ ચાલી રહેલાં નવરાત્રીના પર્વ દરમિયાન સિંઘવાઇ માતાજીના મંદિરે ભકતોની ભીડ ઉમટી રહી છે.

ભરૂચના શક્તિનાથમાં શાકમાર્કેટ નજીક મહાકાળી માતાના મંદિરની બાજુમાં એક પાતાળ કુવા આવેલો છે અને તેમાં સિંધવાઈ માતાજી હાજરા હજૂર હોવાની માન્યતાઓ રહેલી છે જેના કારણે આસો નવરાત્રીમાં હજારો ભક્તો પાતાળ કુવામાં સિંધવાઈ માતાના દર્શન કરવા માટે આવતાં હોય છે.

પાતાળકુવાના પુજારી મુકુંદ ગોસ્વામીના જણાવ્યા મુજબ પાતાળ કુવા સાથે સિંધવાઈ માતાનું અનેરૂ મહત્વ રહેલું છે જેમાં વર્ષો પહેલા ગોસ્વામી પેઢીના લોકો ફુરજા બંદરે વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓ ભરૂચમાં રહેતા અને તે વખતે પાંચબતીથી શ્રવણ ચોકડી સુધીનો સમગ્ર વિસ્તાર અવાવરૂ જગ્યા જેવો હતો અને તે વખતે તોફાનમાં સિંધવાઈ માતાજીની પ્રતિમા ખંડિત ન થાય તે માટે જે તે વખતે શક્તિનાથ નજીક રહેલા એક પાતાળ કુવામાં માતાજીને સંતાડવામાં આવ્યા હતાં.

પુજારીના વારસોને માતાજી સ્વપ્નામાં આવતાં માતાજીની પ્રતિમાને બહાર કાઢી મંદિરમાં સ્થાપના કરી છે. સિંધવાઈ માતાના મંદિર નજીક જે તે વખતના પૂર્વજનોના ત્રણ જીવંત સમાધિ સાથે નવ ગ્રહોની રાશિ મુજબ દેવી-દેવતાઓ જોવા મળે છે આ સિંધવાઈ માતાના મંદિરે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહેલી છે. આ મંદિર સાથે ચોરોની પણ લોકવાયકા જોડાયેલી છે.

error: