ચાલુ બાઇક પર ઊભાં રહી બન્ને હાથે ધારદાર તલવાર સમણી
તલવાર રાસે ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવી
ભગિની ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું
તલવાર સમણવી અમારા લોહીમાં છે
300 બહેનોએ તલવાર રાસની પ્રેક્ટિસ કરી હતી
ટીમવર્કથી સમગ્ર આયોજન થાય છે
કોમળ હાથોથી નીતનવા પકવાન બનાવતી નારી શીલ-ચારિત્ર્યની કે મા ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી બની જાય છે. આવા ખમીરવંતા ભારતમાં નારીની દેવીસ્વરૂપે પૂજા થાય છે, જેને વિશ્વ આખું અચંબિત થઈને નિહાળે છે. રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહના પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિયાણીઓએ રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો હતો. ચાલુ બાઇક પર ઊભાં રહી ક્ષત્રિયાણીઓએ તલવાર સમણતા મા દુર્ગા આવ્યાં હોય તેવાં સાક્ષાત દૃશ્યો જોવાં મળ્યાં હતામ.
રાજકોટના રાજવી પેલેસમાં એકસાથે 100 જેટલી બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસ રમાય છે. આ વખતે મંગળવાર અને બુધવાર એમ બે દિવસ તલવાર રાસ યોજાયો હતો. એકસાથે 100 જેટલી રાજપૂત બહેનો તલવાર રાસ રમી હતી, જેમાં તેઓ બાઇક પર સવાર થઇ તલવાર રાસ રમી ઉપસ્થિત સૌકોઈને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત બહેનોએ થાળી અને ટિપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે રાજવી પરિવારનાં મહારાણી કાદમ્બરી દેવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. બાઇક પર ઊભાં રહીને કરેલા તલવાર રાસને જોઈને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી થઈ હતી. ગુજરાતના ગરબા એટલે કઈ ત્રણ તાળી નહીં, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ જોવા છે અને અલગ રીતે ગરબા રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી, જેમાં રાજપૂતાણીઓનું અદભુત શૌર્ય જોવા મળ્યું હતું. કોઈ વિચારી પણ ન શકે એવાં કરતબ દર વર્ષે નવરાત્રિમાં યોજવામાં આવે છે. મહિલાઓએ બાઈક પર તલવાર પકડીને રાસ કર્યો હતો.
છેલ્લાં 12 વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઇક પર તલવાર રાસ શીખવવાની ખાસ શિબિર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણેક વર્ષ પહેલાં હજારો ક્ષત્રિયાણીઓએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ પણ સ્થાપ્યો હતો.
રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે, તલવાર રાસનું આયોજન રણજીત વિલાસ પેલેસમાં થયું છે. બહેનો જ આ ગરબાનું આયોજન કરે છે. આ રાસ અહીં 15 વર્ષથી થાય છે. દર વર્ષે અમે રાજપૂત સમાજની સંસ્કૃતિને જાળવવા માટે પ્રયાસ કરીએ છીએ. આ એક માતાજીના આરાધનાનું પ્રતીક છે. પરંપરા લુપ્ત થતી જાય છે તેને બચાવી રાખવા અમે આ આયોજન કરીએ છીએ. 300 જેટલી બહેનોએ તલવાર રાસની પ્રેક્ટિસ કરી હતી.
કાદમ્બરી દેવીએ વધુમાં જણાવ્યું હતું કે આયોજન કરવાનું કઠિન નથી પણ તલવાર રાસની પ્રેક્ટિસ અમારી સંસ્થાની બહેનો દ્વારા કરાવવામાં આવે છે. આ બહેનો સમાજને કંઈક દઈ શકે છે. આ બહેનો એકબીજાને પ્રેરણા દે છે અને મળીને શીખે છે તે ટીમવર્કમાં થાય છે. આ વર્ષે તલવાર રાસ, પરંપરાગત રાસ જેવા રાસો રાખવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજ તો પરંપરાને જાળવી રાખવા માટે કામ કરે છે. આથી અમે ટ્રેડિશનલ રાસ જેમ કે, તાલી રાસ, થાલી રાસ, દીવડા રાસ, તલવાર રાસનો સમાવેશ થાય છે. આ વર્ષે તલવાર રાસમાં બહેનો નવું લઈને આવી છે, જેમાં બાઇક પર ઊભા રહીને બન્ને હાથથી તલવાર રાસ રમે છે.
તલવાર રાસ રમનાર જાનકીબા ઝાલાએ જણાવ્યું હતું કે ભગિની ફાઉન્ડેશન દ્વારા અહીં રાસ-ગરબાનું આયોજન થયું છે, જેમાં અમે 15 વર્ષથી તલવાર રાસ કરીએ છીએ. બહારના રાસમાં જોઈએ તો ખોટી તલવાર હોય છેસ જ્યારે અમે અસલી તલવાર સાથે રાસ લઈએ છીએ, જેનું વજન એક કિલો જેવું હોય છે. દરેક દીકરી બે-બે તલવાર સમણે છે. તલવાર રાસ શિખડાવવા માટે અમને થોડી મહેનત થાય છે. અમારા સમાજની દીકરીઓના લોહીમાં છે તલવાર સમણવી એ. તલવાર રાસ શિખડાવવામાં અઠવાડિયું કે 10 દિવસ જેવો સમય લાગે છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી રાજકોટ