ઈરાનની એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખબર મળ્યા બાદ હડકંપ મચી ગયો. આ વિમાન ભારતીય એરસ્પેસમાં હતું. ભારતે વિમાનને દિલ્હીમાં ઉતરવા માટે મંજૂરી આપી નહીં. સૂચના મળતા જ ભારતીય વાયુસેના પણ અલર્ટ મોડમાં આવી ગઈ.
ઈરાનથી ચીન જઈ રહેલા એક વિમાનમાં બોમ્બની ધમકી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ. વિમાનની નિગરાણી માટે એરફોર્સના ફાઈટર વિમાનોએ તરત જ ઉડાણ ભરી. આ વિમાન દિલ્હીના એરસ્પેસમાં ઘૂસી આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરક્ષા એજનાસીઓને મળેલા ઈનપુટ મુજબ વિમાનમાં બોમ્બની ખબર હતી. ત્યારબાદ બધા અલર્ટ થઈ ગયા અને વિમાનને દિલ્હીમાં લેન્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવી.
આ વિમાન ચીન જઈ રહ્યું હતું. ઈન્ડિયન એર ટ્રાફિક કંટ્રોલે વિમાન સાથે અલર્ટ શેર કર્યું હતું. ત્યારે આ વિમાન ભારતીય એરસ્પેસમાં હતું. ત્યારબાદ વિમાનને ઈન્ટરસેપ્ટ કરવા માટે ભારતીય એરફોર્સના Su-30MKI ફાઈટર જેટ્સે પંજાબ અને જોધપુર એરબેસથી ઉડાણ ભરી. જો કે બોમ્બની ધમકીની પ્રકૃતિ અને ઈરાની એરલાઈનનું નામ હજુ સામે આવ્યું નથી. છેલ્લે મળતી માહિતી મુજબ તપાસ બાદ વિમાન ચીન તરફ જતું રહ્યું. તે ભારતીય એરસ્પેસથી પસાર થયું ત્યાં સુધી તપાસ એજન્સીઓએ તેના પર બાજ નજર રાખી.