વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવીને કરાવી હતી પ્રસ્થાન
સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત
રજૂઆતને ધ્યાને રાખી કેન્દ્રીય રેલમંત્રીએ લીધો મોટા નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા લીલી ઝંડી ફરકાવીને વંદે ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે ભારત ટ્રેન એક્સપ્રેસ હોવાથી તેને હાલ અમુક-અમુક જગ્યાએ જ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. હાલ આ ટ્રેન ગાંધીનગર મુંબઈ વચ્ચે દોડી રહી છે. ત્યારે આ ટ્રેનના સ્ટોપેજને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જો કે આ અંગે કોઇ ચોક્કસ સમય સ્થળની જાહેરાત કરવામાં નહિ આવતા લોકોમાં મુંઝવણ અનુભવાઇ રહી છે.
પીએમ મોદી જેને લીલી ઝંડી આપી તે વંદેભારત ટ્રેન હાલ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડી રહી છે. જેમાં વચ્ચે અમદાવાદ,વડોદરા સુરત અને મુંબઈ સ્ટોપેજ આપવામાં આવ્યું છે.આ ટ્રેનને બોરીવલીમાં સ્ટોપેજ આપવામાં નથી આવ્યું. સુરતથી ઉપડીને તે સીધી મુંબઈ સેન્ટ્રલ જ ઉભી રહે છે. તેના ટાઈમટેબલ અનુસાર, ટ્રેન 17.43 કલાકે સુરતથી ઉપડીને સાંજે 20.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચી જશે. સુરતથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું 263 કિલોમીટરનું અંતર વંદે ભારત એક્સપ્રેસ 3 કલાક અને 02 મિનિટમાં કવર કરીને સાંજે 8.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે.
ત્યારે આ ટ્રેન વાપીથી પસાર થાય છે. પરંતુ ત્યાં ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું નહોતું. આ ટ્રેનને વાપી ખાતે સ્ટોપેજ મળે એ માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલે હાલમાં જ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખી અશ્વિની વૈષ્ણવજીએ આવનારા દિવસોમાં આ ટ્રેનને વાપી ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બદલ વાપી અને સંઘપ્રદેશ દમણ- સેલવાસના યાત્રીઓને સીધો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આ અંગેની જાહેરાત તો કરવામાં આવી છે. પરંતુ કયા દિવસે અને કયા સમયે ટ્રેન શરૂ થશે તે અંગે ચોક્કસ કોઇ માહિતી આપવામાં આવી નથી. જેને કારણે લોકોમાં મૂંઝવણ ઉભી થઇ છે.
ટ્રેનને સ્ટોપેજની મંજૂરી મળવાની માહિતી સી.આર.પાટીલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે લખ્યું કે, હાલમાં જ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી વંદેભારત એક્સપ્રેસનો પ્રારંભ કરાવ્યો હતો. જે હાલમાં ગાંધીનગર મુંબઈ વચ્ચે દોડી રહી છે. આ ટ્રેનને વાપી ખાતે સ્ટોપેજ મળે એ માટે કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખી કેન્દ્રીય રેલમંત્રી દ્વારા આવનારા દિવસોમાં આ ટ્રેનને વાપી ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે