દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું છે. ઈડીએ (ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. લિકર પોલિસી કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે.
અગાઉ 28 સપ્ટેમ્બરના રોજ ઈડીએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. ઈડીની એફઆઈઆરમાં જણાવ્યા પ્રમાણે ઈન્ડોસ્પિરિટ્સના માલિક સમીર મહેન્દ્રુએ કથિત રીતે સિસોદિયાના નજીકના લોકોને ઓછામાં ઓછી 2 વખત કરોડો રૂપિયા આપ્યા હતા. તેઓ કથિતરૂપે આબકારી નીતિ (Excise Policy) બનાવવા અને તેના અમલીકરણમાં થયેલી ગોલમાલમાં સામેલ શરાબના વેપારીઓ પૈકીના એક હતા.
આ તરફ સીબીઆઈની એફઆઈઆરમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, નાયબ મુખ્યમંત્રી સિસોદિયાના એક કથિત સહયોગી અર્જુન પાંડેએ એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પૂર્વ સીઈઓ વિજય નાયર તરફથી સમીર મહેન્દ્રુ પાસેથી આશરે 2-4 કરોડ રૂપિયાની રોકડ લીધી હતી.
તાજેતરની રેડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ગંદા રાજકારણ માટે અધિકારીઓનો સમય બરબાદ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ તેમણે સીબીઆઈ અને ઈડીના 300થી વધારે અધિકારીઓ 24 કલાક મનીષ સિસોદિયા વિરૂદ્ધ પુરાવા શોધવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતું કશું કર્યું નથી માટે તેમને કશું નથી મળી રહ્યું તેવો બચાવ કર્યો હતો અને 500થી વધુ સ્થળોએ પાડવામાં આવેલા દરોડાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
દિલ્હી લિકર પોલિસી મામલે ગત 27 સપ્ટેમ્બરના રોજ સીબીઆઈએ વિજય નાયરની ધરપકડ કરી લીધી હતી. તે એક એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીનો પૂર્વ સીઈઓ છે. તેના અનેક સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યા હતા. નાયર આ કથિત કૌભાંડનો મુખ્ય ષડયંત્રકારી હોવાનું માનવામાં આવે છે.
અગાઉ ગત 16 સપ્ટેમ્બરના રોજ ઈડીએ 40 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમાં માત્ર હૈદરાબાદમાં જ 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તે સિવાય લિકર પોલિસી કૌભાંડ મામલે ઈડીએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ પુછપરછ કરી છે.
ઈડીએ અગાઉ 6 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સહિત અનેક રાજ્યોના 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમાં દિલ્હી સિવાય ગુરૂગ્રામ, લખનૌ, હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરૂ અને પંજાબમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ એજન્સીએ લિકરના કારોબારીઓને સકંજામાં લીધા હતા. જોકે ઈડીના દરોડામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું ઘર નહોતું સામેલ.
લિકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કેસ દાખલ કરવામાં આવેલો છે. તેમને આ કેસના મુખ્ય આરોપી બનાવાયા છે. સીબીઆઈએ લિકર પોલિસી કૌભાંડ મામલે તેમની લાંબી પુછપરછ પણ કરી હતી. સીબીઆઈની ટીમને સિસોદિયાના ઘરેથી સિક્રેટ ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા હતા.