પહેલી જ વનડેમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન
40 ઓવરમાં 250 રન કરવા માટે ફાંફાં પડ્યા
રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાનો 9 રને વિજય
આજે લખનઉમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના વન ડે મુકાબલાની પહેલી મેચમાં ભારતનો પરાજય થયો છે. વરસાદને કારણે મેચ થોડી લેટ શરૂ થઈ હતી. જે બાદ દક્ષિણ આફ્રિકાએ શાનદાર બેટિંગ કરતાં 40 ઓવરમાં ભારતને 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરવા ટીમ ઈન્ડિયાના ધુરંધરો મેદાનમાં આવી ગયા હતા. પણ લક્ષ્ય 9 રન દૂર રહી ગયું હતું. એટલે ટીમ ઈન્ડિયા 240 રન જ કરી શકી હતી અને 9 રને હારનો સામનો કરવો પડ્યો છે.
દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 75 અને હેનરિક ક્લાસને 74 રન બનાવ્યા હતા. બંનેએ અણનમ 139 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ભારતે શરૂઆતમાં વિકેટો લઈને દક્ષિણ આફ્રિકાને ઘણા આંચકા આપ્યા હતા, પરંતુ બાદમાં બંનેએ ભેગા મળી શાનદાર ઈનિંગ રમતા ભારતીય બોલરોને પરસેવો છોડાવી દીધો હતો.
ભારતને 40 ઓવરમાં 250 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમનો ટોપ ઓર્ડર તદ્દન નિષ્ફળ ગયો. ટીમ ઈન્ડિયા તરફથી સંજુ સેમસને 86 રનની ઈનિંગ રમી અને અંત સુધી ટકી રહ્યો. તે સિવાય શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુરે પણ પોતાનો બેટિંગ પાવર દેખાડ્યો હતો. જો કે, ભારત આ મેચ 9 રને હારી ગયું અને શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગયું.