Satya Tv News

ભગતસિંગ ચોકથી લઇને ખંડેરાવ માર્કેટ સુધી કેજરીવાલની રેલી યોજાશે

વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના આગમન પહેલા જ રસ્તા પર લખાયું કે હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક. જેને કારણે સ્થાનિક રાજકારણમાં પોસ્ટર વોર પછી રસ્તા પરનું લખાણ ચર્ચામાં આવ્યું છે. કેજરીવાલે ગુજરાતની અગાઉ મુલાકાતમાં ક્યારેય નહિ અનુભવેલા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં કેજરીવાલ હિંદુ વિરોધી હોવાનો વિરોધ પોસ્ટર તથા અન્ય માધ્યમોથી જાહેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ વડોદરામાં અરવિંદ કેજરીવાલ રેલી યોજવાના હતા ત્યા પોસ્ટર અને ગેટ બનાવવામાં આવ્યા હતા. તેને લઇને વાતાવરણ ગરમાયુ હતુ.

આમ આદમીની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરાની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચે તે પહેલા જ વાતાવરણ ગરમાયુ છે. અરવિંદ કેજરીવાલનાં આગમને લઇને જે હોડિંગ્સ અને ગેટ બનાવવામાં આવ્યા છે તેને ઉતારવાની માંગ સાથે આપ અને બીજેપી આમને-સામને આવી ગયુ છે. આપ અને બીજેપી બન્ને પક્ષનાં નેતાઓ સામે- સામે શાબ્દિક પ્રહાર કરતા નજરે પડ્યા હતા. વાતાવરણ ગરમ થતા જ ધક્કા-મુક્કીનો માહોલ સર્જાયો હતો. જ્યારે પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી.

અરવિંદ કેજરીવાલ ભગતસિંગ ચોકથી લઇને ખંડેરાવ માર્કેટ સુધી રેલી યોજવાના છે. આ માર્ગ પર આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જ્યાં પહેલેથી જ નવરાત્રીના પોસ્ટરો અને ગેટ હતો. સાથે ભાજપનાં પોસ્ટર પણ લાગેલા હતા.ત્યારે ભાજપનું કહેવુ છે કે અમારા પોસ્ટર પર આમ આદમી પાર્ટીએ પોસ્ટર શા માટે લગાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવુ છે કે હવે નવરાત્રી પૂર્ણ થઇ ગઇ છે છતાં પણ ભાજપના કાર્યકરોએ જાણી જોઇને તેના પોસ્ટર કે ગેટ ઉતાર્યા નથી. અમે એની બાજુમાં પોસ્ટર લગાવ્યા છે. આ મામલે બન્ને પક્ષ વચ્ચે વાતાવરણ ગરમાયુ હતુ.

આ તકે બન્ને પક્ષ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આપના નેતાઓએ હાય રે ભાજપનાં સુત્રોચ્ચાર કર્યા હતા.આ વિરોધ પ્રદર્શનને કારણે એક બાજુનો રોડ રોકાય જતા વાહનવ્યવહાર પર અસર પડી હતી. છેલ્લે પોલીસ આવતા જ ટોળા વિખેરાયા હતા. પરંતુ સવારે ગો બેક કેજરીવાલ, બાદમાં હવે પોસ્ટર વિવાદ અને બપોર બાદ કેજરીવાલની રેલી દરમ્યાન કેવો માહોલ સર્જાય છે તે જોવુ રહ્યું.

error: