પ્લેેયર ઓફ ધ મેચ શ્રેયસ ઐયરના અણનમ ૧૧૩ રન અને તેની કિશન (૮૪ બોલમાં ૯૩ રન) સાથેની ત્રીજી વિકેટની ૧૬૧ રનની ભાગીદારીની મદદથી ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી વન ડેમાં ૪.૧ ઓવર બાકી હતી, ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં ભારતે ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી. માર્કરામ (૭૯) અને હેન્ડ્રિક્સ (૭૪)ની અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ સાત વિકેટે ૨૭૮ રન નોંધાવ્યા હતા. સિરાજે ૧૦ ઓવરમાં માત્ર ૩૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતે ૪૫.૫ ઓવરમાં જ ત્રણ વિકેટે ૨૮૨ રન કરતાં મેચ જીતી લીધી હતી.
રાંચીમાં રમાયેલી વન ડેમાં જીતવા માટેના ૨૭૯ રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે બંને ઓપનરોને ૪૮ના સ્કોર પર ગુમાવી દીધા હતા. ધવન ૧૩ અને ગિલ ૨૮ રને આઉટ થયા હતા. જોકે કિશન અને ઐયરની જોડીએ ભારતને જીત તરફ અગ્રેસર કર્યું હતુ. શ્રેયસે ૧૫ ચોગ્ગા સાથે ૧૧૧ બોલમાં અણનમ ૧૧૩ રન ફટકાર્યા હતા. કિશન ૭ રન માટે સદી ચૂક્યો હતો અને ૭ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ૮૪ બોલમાં ૯૩ રન ફટકારીને ફોર્ટુઈનનો શિકાર બન્યો હતો. જોકે ઐયર અને સેમસનની જોડીએ ભારતને જીતાડયું હતુ.
અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાની શરૃઆત સારી રહી નહતી અને તેમણે ૪૦ રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ડીકૉક પાંચ રને અને મલાન ૨૫ રને આઉટ થયા હતા. રિઝા હેન્ડ્રિક્સ (૭૪) અને માર્કરામ (૭૯)ની જોડીએ ત્રીજી વિકેટમાં ૧૨૯ રનની ભાગીદારી કરી હતી. હેન્ડ્રિક્સે ૭૬ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૭૪ રન કર્યા હતા. જ્યારે માર્કરામે ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૮૯ બોલમાં ૭૯ રનની ભાગીદારી કરી હતી. સિરાજે હેન્ડ્રિક્સને અને સુંંદરે માર્કરામને આઉટ કર્યા હતા.
મીલરે ૩૪ બોલમાં ચાર ચોગ્ગા સાથે અણનમ ૩૫ તેમજ ક્લાસને ૩૦ રન કર્યા હતા. સિરાજે ૧૦ ઓવરમાં એક મેડન સાથે ૩૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી