રાજ્ય વેરા અધિકારીએ GST નંબરની કામગીરી કરવા માંગી લાંચ
રાજ્ય વેરા અધિકારી સહિત અન્ય બે લોકોએ લાંચ માંગી
GST નંબર રિજેક્ટ થતા અન્ય બે લોકો સહિત અધિકારીએ લાંચની માંગણી કરી
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લાંચિયા અધિકારીઓ એસીબીના હાથે ઝડપાતા હોવાનું સામે આવી રહ્યું છે. અધિકારીઓ દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ કરીને લોકો પાસે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ લાંચિયો અધિકારી અમદાવાદથી એસીબી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાલેયી ફરિયાદ અનુસાર, GST વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. પરંતુ લાંચિયાઓ ઓનલાઇન પ્રક્રિયાને બાજૂ પર મુકીનો પોતાના ખીસ્સા ભરી રહ્યા હોવાનું આ કિસ્સા પરથી સામે આવે છે. જેમાં એક જાગૃત નાગરિક કે જે ભાગીદારીમાં બાંધકામનો ધંધો કરે છે. તેનો જીએસટી નંબર રીજેકટ થઈ ગયો હતો. જેથી નાગરિક દ્વારા આ નંબર કરાવવા માટે આશિષ સુભાષ અગ્રવાલ અને કુનાલ સુભાષ અગ્રવાલ મારફતે અમદાવાદના રાજભવન ખાતે અપીલ કરી હતી.
ત્યારબાદ આશિષ અગ્રવાલ અને કુનાલ અગ્રવાલ જાગૃત નાગરિકને જણાવે છે કે, આ નંબરની કામગીરીને લઈ ગૌરાંગ રમેશચંન્દ્ર વસૈયા( રાજ્ય વેરા અધિકારી, (વિવાદ-૨) વિભાગ-૨, રાજ્ય કર ભવન, આશ્રમ રોડ, અમદાવાદ, વર્ગ-૨) રૂ.50,000/-નો વ્યવહાર માંગે છે. જેથી જાગૃત નાગરિક અને આશિષ અગ્રવાલ બંન્ને સાથે મળી રાજ્ય વેરા અધિકારી ગૌરાંગ વસૈયાની ઓફિસમાં રૂબરૂ મળવા ગયા હતા. જ્યાં આ અંગે થોડીક માથાકૂટ બાદ અધિકારી ગૌરાંગ વસૈયા અને આશિષ અગ્રવાલ દ્વારા રૂ.35,000/-ની લાંચની માંગણી કરી હતી.
જો કે, જાગૃત નાગરિકને કાયદાની સમજ હોવાથી તે આ લાંચ આપવા માંગતો ન હતો. જેથી આ અંગે એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું. ત્યારબાદ લાંચિયા અધિકારી ગૌરાંગ વસૈયા વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે એસીબીનીટીમ દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદી દ્વારા લાંચ સ્વીકારવા માટે લાંચિયા અધિકારી સહિત તેમના મળતીયા આશિષ અગ્રવાલ અને કુનાલ અગ્રવાલને ફોન કરી મળવા માટે રાયપુર બીગબજારની પાછળની જગ્યા નક્કી કરી હતી.
મહત્વનું છે કે, આ સમગ્ર છટકાનું આયોજન કરાતા નક્કી કરાયેલી જગ્યા પર એસીબીની ટીમ પહેલેથી જ પહોંચીને વોચમાં ગોઠવાઈ ગઈ હતી. બીજી બાજુ લાંચિયા અધિકારી ગૌરાંગ વસૈયાને ફરજ પર રજા હોવાને કારણે લાંચ સ્વીકારવા માટે આશિષ અને કુનાલ અગ્રાવાલ લાંચ લેવા માટે નક્કી કરાયેલા સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ફરિયાદી સાથે લાંચને લઈ વાતચીત કરી રૂ.35,000/-ની લાંચ સ્વીકારી હતી. આરોપીઓએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમ દ્વારા રંગે હાથ દબોચી લેવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મુખ્ય આરોપીને ફરજ પર રજા હોવાથી એસીબી દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્વ ફરિયાદ નોંધી લાંચની રકમ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.