ઉત્તરાખંડના કાશીપુરમાં 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલા બદમાશની ધરપકડ કરવા ગયેલી યુપી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક મહિલાનું મોત થઈ ગયુ હતું. બીજી તરફ એસએચઓ સહિત 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મહિલાના મોત બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. હજારો લોકોએ હંગામો મચાવ્યો હતો અને હાઈવે બ્લોક કરી દીધો હતો. આ મામલામાં પોલીસ અને પીડિત પરિવાર બંનેના અલગ-અલગ દાવા છે.
મૃતક મહિલા ઉધમ સિંહ નગરની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલામાં યુપી પોલીસ અને પીડિતાના પરિવાર બંને તરફથી ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મૃતક મહિલા ગુરપ્રીત કૌર કુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભરતપુરના જસપુરના સૌથી મોટા બ્લોક પ્રમુખ ગુરતાજ ભુલ્લરની પત્ની છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે યુપીના મુરાદાબાદની પોલીસ ઉત્તરાખંડમાં ગેંગસ્ટર ઝફરની ધરપકડ કરવા ગઈ હતી. તેના પર 50,000 રૂપિયાનું ઈનામ હતું. જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા કાશીપુર પહોંચી ત્યારે પોલીસ ટીમને સ્થાનિક લોકોએ ઘેરી લીધી હતી. ત્યારબાદ તેમના હથિયારો છીનવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહી, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મુરાદાબાદ પોલીસની કાર્યવાહીના વિરોધમાં ક્રોસ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાંથી બે પોલીસ કર્મીઓને પગમા ગોળી વાગવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની સારવાર ઉધમસિંહ નગરમાં ચાલી રહી છે. ડોક્ટર્સે તેમની હાલત ગંભીર ગણાવી છે.
બીજી તરફ આ ઘટના બાદ મુરાદાબાદના એસએસપી હેમંત કુટિયાલ ઉધમ સિંહ નગર પહોંચ્યા હતા. મુરાદાબાદ રેંજના ડીઆઈજી શલભ માથુરે જણાવ્યું કે, મુરાદાબાદ પોલીસ એક કેસમાં ગેંગસ્ટર ઝફરને શોધી રહી હતી અને ટીમ તેની શોધમાં ઉધમ સિંહ નગર પહોંચી હતી. આ દરમિયાન ઝફર કુંડા પોલીસ સ્ટેશન હેઠળના ભરતપુરમાં એક ઘરમાં ઘૂસ્યો હતો. પોલીસકર્મીઓ સાદા કપડામાં હતા અને તેઓએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બરેલી ઝોનના એડીજી રાજકુમારે જણાવ્યું કે, પોલીસકર્મીઓને બંધક બનાવીને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
મૃતક મહિલાના પરિવારજનોનો દાવો છે કે, તે કોઈ પોલીસ ટીમ નહોતી પરંતુ ગુંડા હતા. જે નંબર પ્લેટ વગરની ગાડીમાં આવ્યા હતા. એટલું જ નહીં પરિવારજનોનો દાવો છે કે, કેટલાક પોલીસ કર્મીઓ શરાબના નશામાં હતા. તેમણે દાવો કર્યો છે કે, પોલીસ કર્મીઓની ગોળી જ જ મહિલાનું મોત થઈ ગયું છે.
બંને પક્ષોએ કેસ દાખલ કર્યો છે. ઉત્તરાખંડ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. બીજી તરફ આરોપી ગેંગસ્ટર ઝફર ફરાર છે. ઉત્તરાખંડ પોલીસના ડીઆઈજી નિલેશ ભારમેએ જણાવ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવશે. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે. ડોગ સ્ક્વોડ, બેલેસ્ટિક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. જેના પરથી જાણી શકાશે કે, કોની ગોળીથી મહિલાનું મોત થયું છે. યુપી પોલીસ તેમને જાણ કર્યા વિના અહીં આવી હતી તેઓ સાદા યુનિફોર્મમાં હતા આ ઘટનામાં બ્લોક પ્રમુખની પત્નીનું મોત થઈ ગયુ છે. અમે આ અંગે 302, 147, 506, 120માં કેસ દાખલ કર્યો છે.