કારણ કે વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે
જાણો ગુજરાતની ચૂંટણી જાહેર ના થવાના ત્રણ કારણ:ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી શકે છે, કારણ કે વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે
હિમાચલમાં ઠંડા હવામાનની સમસ્યા છે, એટલે નવેમ્બરમાં મતદાન રાખ્યું : EC
ચૂંટણીપંચે ગઈકાલે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી હતી. સિંગલ-ફેઝ ચૂંટણીનું જાહેરનામું 17 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે અને 12 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 08 ડિસેમ્બરે થશે. પંચે હજુ સુધી ગુજરાતની ચૂંટણી માટે જાહેરાત કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પછી ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. હિમાચલમાં મતદાન અને મતગણતરી વચ્ચે 26 દિવસનું અંતર છે.
ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની શક્યતા આવી સ્થિતિમાં ગુજરાતની ચૂંટણી પણ 8મી ડિસેમ્બર પહેલાં યોજાય એવી અટકળો ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે બંને રાજ્યોનું પરિણામ એક જ દિવસે આવી શકે છે. પ્રશ્ન એ છે કે પંચે બંને રાજ્યોની ચૂંટણીની તારીખો એકસાથે કેમ જાહેર ન કરી? આ સવાલ પાછળ ત્રણ કારણ હોઈ શકે છે
પહેલું કારણ
હિમાચલ વિધાનસભાનો કાર્યકાળ ગુજરાત પહેલાં સમાપ્ત થશે. હિમાચલ પ્રદેશની વર્તમાન વિધાનસભાની મુદત 8 જાન્યુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. એ જ સમયે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2023ના રોજ સમાપ્ત થશે. કમિશન પાસે બંને રાજ્યમાં ચૂંટણી કરાવવા માટે પૂરતો સમય છે.
બીજું કારણ
હિમાચલ પ્રદેશમાં શિયાળા દરમિયાન હવામાન એકદમ ખરાબ હોય છે. ઘણી જગ્યાએ હિમવર્ષાના કારણે ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકતી નથી. ખરાબ હવામાન પહેલાં ચૂંટણીપંચ નવેમ્બરમાં હિમાચલ પ્રદેશમાં અગાઉની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ સાથે જ ગુજરાતમાં પણ ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે.
ત્રીજું કારણ
2017માં પણ ગુજરાતની ચૂંટણીની જાહેરાત પહેલાં હિમાચલની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનની કેટલીક સરકારી રેલીઓ યોજવાની બાકી હતી, તેથી કરવામાં આવી હતી. આ વખતે પણ આવી જ ઘટનાઓ બની રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ભૂતકાળમાં ઘણી યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરી રહ્યા છે. 18થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાવાનો છે. એનું લોન્ચિંગ પીએમ મોદી કરશે. બીજી તરફ ભાજપ-અધ્યક્ષ હાલમાં ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા રાજ્યની 182 વિધાનસભા બેઠકમાંથી 144 બેઠક પરથી પસાર થશે, જેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ યાત્રા દસ દિવસ સુધી ચાલશે.
ચૂંટણીપંચે શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાછળથી યોજવા પર ઊઠેલા સવાલનો ચૂંટણીપંચે જવાબ આપતાં કહ્યું હતું કે બંને રાજ્યની વિધાનસભાના કાર્યકાળમાં 40 દિવસનો તફાવત છે. હિમાચલ પ્રદેશમાં હવામાનની ઘણી સમસ્યા છે. ખાસ કરીને ઉપરના વિસ્તારોમાં જ્યાં ઘણો હિમવર્ષા થાય છે. આવી સ્થિતિમાં આયોગે માપદંડોને જોઈને જ આ નિર્ણય લીધો છે.