Satya Tv News

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટે ટકોર સાથે કડક પગલાં લેવાનું સૂચન કર્યું છે.

ગુજરાત હાઇકોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું કે, ‘લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. તહેવારોના સમયમાં અમે અકસ્માત થાય તેવું નથી ઈચ્છતા.’ મહત્વનું છે કે, હાઇકોર્ટમાં આજે રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં હાઈકોર્ટના આદેશ પ્રમાણે કોર્ટમાં DGP, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતા. AMC કમિશનર એમ. થેન્નારસન પણ હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન હાજર રહ્યાં હતા.

ત્યારે કોર્ટમાં સુનાવણીની શરૂઆતમાં મુખ્ય ન્યાયાધીશે સરકારી વકીલને ન્યૂઝપેપર આપ્યું હતું. રખડતાં ઢોર મામલે મુખ્ય ન્યાયાધીશે ફોટો સાથે પ્રસિદ્ધ થયેલું સમાચારપત્ર સરકારી વકીલને પકડાવ્યું હતું.

જોકે આ મામલે સબંધિત તમામ વિભાગ મહેનતથી કામ કરતા હોવાની સરકાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઇ હતી. અર્બન ડેવલમેન્ટ સેક્રેટરી મુકેશ કુમારને પણ કડક પગલાં લેવા હાઇકોર્ટે સૂચન કર્યું છે. ત્યારે અર્બન ડેવલમેન્ટ સેક્રેટરી મુકેશ કુમારે પણ કડક પગલાં લેવા કોર્ટ સમક્ષ સંમતિ દર્શાવી હતી.

તાજેતરમાં જ અમદાવાદના ભાવિન પટેલ નામના વ્યક્તિનું રખડતા ઢોરના કારણે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં મૃતકને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ત્યારે કોર્ટે આવતીકાલ સુધીમાં વળતર ચૂકવવામાં આવે તેવો પણ આદેશ કર્યો હતો.

error: