Satya Tv News

દિવાળીના દિવસો નજીક આવે તેમ દૂકાન, લારી-ગલ્લા ચલાવતા વેપારીઓ પાસે વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ બોનસના નામે ગેરકાયદેસર નાણાંકીય માંગણી કરતા હોય છે. જે વેપારી માંગ્યા મુજબની રકમ આપવાનો ઈનકાર કરે તેની સામે કાયદાની લાઠી ઉગામીને હેરાન કરવામાં આવે છે. વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓની આ પ્રકારની દાદાગીરીથી ત્રસ્ત વેપારીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. બોનસના નામે પૈસા પડાવી દાદાગીરી કરતા સરકારી કર્મચારીનું ઓડિયો કે વીડિયો રેકોર્ડીંગ કરી વેપારી એસીબી કચેરીનો સંપર્ક કરે તો કાર્યવાહી થશે તેમ એસીબીના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. દિવાળી આવે ત્યારે વેપારી રાજીખુશી સરકારી કર્મચારીને બોલાવીને પોતાની યશાશક્તિ બોનસની રકમ આપતા તે લઈ કર્મચારી ખુશ રહેતો હતો. જો કે, છેલ્લા કેટલાક સમયથી સરકારી કર્મચારીઓ દ્વારા ચોક્કસ રકમની માંગણી કરી વેપારીઓને ડરાવી પૈસા પડાવવામાં આવે છે.

શહેરના કેટલાક વિસ્તારોમાં વેપારીઓ પાસેથી દિવાળી બોનસના નામે થતા ઉઘરાણાંમાં ચોક્કસ રકમની માંગણી કરતી વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. આ સાત-આઠ વર્ષથી શરૂ થયેલી આ સિસ્ટમમાં મોટા શોરૂમ કે દૂકાન ધરાવતા વેપારીઓને બોનસ આપવામાં જ રૂ. દોઢ લાખથી બે લાખનું આંઘણ થઈ જાય છે. સામાન્ય લારી-ગલ્લાવાળાને બોનસ ચુકવવામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની તૈયારી કરવી પડે છે. આમ, દૂકાન, લારી-ગલ્લા ચલાવતા વેપારીઓમાં ગેરકાયદેસર રીતે શરૂ થયેલા આ સિસ્ટમને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, અવાજ ઉઠાવે તે વેપારી સામે કાર્યવાહી કરવા માટે કાયદાની ઘણીબધી કલમો છે. જેના પગલે મજબૂર થઈને પણ વેપારી દિવાળીના દિવસોમાં મોટા આર્થિક નુકશાનથી બચવા માટે આ ગેરકાયદેસર માંગણીનો સ્વીકાર કરી પૈસા ચુકવી દે છે.

વેપારીઓને લાગતી વળગતી સરકારી કચેરીના કર્મચારીઓને ચૂકવવામાં ગેરકાયદેસર બોનસનો ભાર ખરીદી કરવવા જતા ગ્રાહકો પર નાંખવામાં આવતો હોવાની ચર્ચા શરૂ થઈ છે. આમ, રાજય સરકાર અને એસીબી કચેરી દ્વારા આ પ્રકારના ગેરકાયદેસ કૃત્ય આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા છે.આ અંગે વાત કરતા એસીબીના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરવી તેમજ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરવાની કલમ હેઠળ પૈસાની માંગણી કરતા તત્વો સામે કાર્યવાહી થઈ શકે છે. જો કે, વેપારીએ આવા તત્વોનું ઓડિયો કે વીડિયો રેકોર્ડીંગ પૂરાવારૂપે રાખી લેવું જોઈએ જેથી કેસ મજબુત બની શકે છે. આ પૂરાવા એકત્ર કર્યા બાદ એસીબી કચેરીમાં રૂબરૂ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ જેથી ટ્રેપ કરી મજબૂત કેસ થઈ શકે છે. આ ઉપરાંત એસીબી દ્વારા ડીકોય કરીને આવા તત્વોને રંગેહાથ બળજબરીપૂર્વક પૈસા પડાવતા તત્વોને પકડી શકે છે.

દિવાળીમાં વેપારીને ધંધા પ્રમાણે જે તે સરકારી કચેરી સાથે કનેકશન હોય છે. પોલીસ અને કોર્પોરશનનું કનેકશન લગભગ દૂકાન કે લારી ગલ્લા ચલાવતા તમામ વેપારીઓ સાથે હોય છે. જાહેર રોડ પર વધુ કચરો, ગેરકાયદેસર દબાણ, વસ્તુના સેમ્પલ કે ટ્રાફિકને અડચણ, રોડ પર પાર્કિગ કે પાર્કિગની વ્યવસ્થા ના રાખવી સહિતની કાર્યવાહી વેપારીઓ સામે થઈ શકે છે. આમ, પોલીસ અને એએમસીના અમુક વિભાગના કર્મચારીઓ સાથે વેપારીઓને પનારો પડે છે.

દિવાળી બોનસના નામે ચોક્કસ આંકડો આપીને વેપારી પાસે નાણાંની માંગણી કરતા તત્વો સામે અવાજ ઉઠાવે તો આખું વર્ષ હેરાન કરવાની ધમકી અપાય છે. ઘણા વેપારીઓ રાજકીય વગ કે ઉચ્ચ અધિકારીઓ સાથેની ઓળખાણનો ઉપયોગ કરી છટકબારી શોધી લે છે. પણ જે વેપારીઓ પાસે આવી કોઈ વગ નથી હોતી તે કાર્યવાહીનો ભોગ બને છે. કાયદાની કલમ મુજબ કાર્યવાહી થતી હોઈ વેપારી કઈ કરી શકતો પણ નથી. આમ, જે બોનસ માંગ્યા મુજબ આપે તે કાર્યવાહીથી બચે અને ના આપે તેની સામે કાર્યવાહી થતી રહે તેવી સિસ્ટમ સામે રોષ પેદા થયો છે.

error: