પંજાબના પટિયાલાના ફૈઝગઢ ગામમાં પ્રોપર્ટીના વિવાદમાં 22 વર્ષના યુવકે પોતાની માતાની કુહાડી વડે હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે ઘરની અંદર ખાડો ખોદી લાશને દાટી દીધી હતી. પોલીસે મૃતદેહ કબજે કરી યુવકની ધરપકડ કરી છે. યુવક પૈસા માટે જમીન વેચવા માટે તેની માતા પર દબાણ કરતો હતો.
પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે 54 વર્ષીય કિરણા બે દિવસથી ગુમ હતી. ફરિયાદના આધાર પર પોલીસ તેને શોધી રહી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ બે દિવસ બાદ ઘરના રૂમમાં જ દફનાવેલો મળ્યો. પોલીસે આ મામલે મૃતક મહિલાના દીકરાની ધરપકડ કરી છે. દીકરાએ કથિત રીતે કબૂલાત કરી છે કે, તેણે પોતાની માતાની હત્યા કરી નાખી છે. કારણ કે, તે પોતાની જમીન વેચવા અને તેને પૈસા આપવાનો ઈનકાર કરી રહી હતી.
પોલીસે જણાવ્યું કે, સાબિર અલીએ પોતાની માતા કિરણાની હત્યા કરવા માટે કુહાડીનો ઉપયોગ કર્યો હતો. 2 દિવસ પહેલા તેનો તેની માતા સાથે ઝઘડો થયો હતો. કારણ કે, તે ઈચ્છતો હતો કે, તેની માતા પોતાની કુલ 6 એકર જમીનમાંથી 2 એકર જમીન વેચી દે. પરંતુ જ્યારે માતાએ જમીન વેચવાનો ઈનકાર કરી દીધો તો સાબિર ભડકી ગયો અને તેના પર હુમલો કરી દીધો. તેણે કુહાડીથી પોતાની માતા પર પ્રહાર કર્યા. ત્યારબાદ તેણે ઘરના એક રૂમમાં ખાડો ખોડ્યો અને તેના મૃતદેહને ઘરમાં જ દફનાવી દીધો.
ગામના સરપંચ જસવંત સિંહનું કહેવું છે કે, લગભગ 20 વર્ષ પહેલા મૃતક મહિલા કિરણાએ કાકા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પહેલા કાકા ખાનનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. જે બાદ સાબિર અલી અવારનવાર તેની માતા સાથે મિલકતને લઈને ઝઘડો કરતો હતો. ડીએસપી દવિન્દર અત્રીએ જણાવ્યું કે સાબીર અલીએ પૈસા અને સંપત્તિ માટે તેની માતાની હત્યા કરી નાખી છે.