વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં ઓટો ગેરેજમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો
વડોદરાના વારસીયા ફકીરની ઝૂંપડી પાછળ એ-1 નામનું ફોરવ્હિલ રીપેરીંગનું ગેરેજ આવેલું છે. જેના માલિક પ્રેમભાઇ છે. આ ગેરેજમાં રાખવામાં આવેલા ફોરવ્હિલના સ્ક્રેપમાં આગ ફાટી નીકળી હતી. સ્ક્રેપ ઓઇલવાળો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરે નહિં તે માટે સ્થાનિક લોકો દ્વારા પાણીમારો શરૂ કરી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આગ ભીષણ હોવાના કારણે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.પાણીગેટ ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયર બ્રિગેડના 15 ઉપરાંતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને આગને કાબુમાં લેવા માટે ચારે બાજુથી પાણી મારો ચલાવી આગને ગણતરીની મિનીટોમાં કાબુમાં લીધી હતી. આગના આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, સ્ક્રેપમાં કાઢવામાં આવેલા સ્પેરપાર્ટ્સ ખાખ થઇ ગયા હતા. જો આગ વહેલી તકે કાબુમાં આવી ન હોત આસપાસની અનેક મિલકતો આગની લપેટમાં આવી ગઇ હોત. પરંતુ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા યોજનાબધ્ધ રીતે પાણીમારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. અને આગને કાબુમાં લીધી હતી.