સુરત, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર
– સુરત એસઓજીએ મંગળવારે મળસ્કે ક્પલેથા ચેક પોસ્ટ પાસે મુંબઈથી કારમાં ડ્રગ્સ લઈ આવતા નાનપુરા-રૂદરપુરાના ચારને ઝડપી પાડી કુલ રૂ.66.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
– તેમની પુછપરછમાં સુરતમાં દિવાળીમાં ડ્રગ્સ વેચવા મંગાવનાર સાતના નામ ખુલ્યા હતા.
સુરતમાં દિવાળીમાં ડ્રગ્સ વેચવા મુંબઈથી રૂ.59 લાખનું એમ.ડી.ડ્રગ્સ મંગાવનારાઓ પૈકી એકની સુરત એસઓજીએ ઝડપી લીધો છે.સુરત એસઓજીએ મંગળવારે મળસ્કે ક્પલેથા ચેક પોસ્ટ પાસે મુંબઈથી કારમાં ડ્રગ્સ લઈ આવતા નાનપુરા-રૂદરપુરાના ચારને ઝડપી પાડી કુલ રૂ.66.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમની પુછપરછમાં સુરતમાં દિવાળીમાં ડ્રગ્સ વેચવા મંગાવનાર સાતના નામ ખુલ્યા હતા.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર એસઓજીએ મળેલી બાતમીના આધારે મંગળવારે મળસ્કે ક્પલેથા ચેક પોસ્ટ પાસે કાર ( નં.જીજે-21-સીએ-2538 ) માંથી રૂ.59 લાખની મત્તાના 590 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે અઝહરૂદ્દીન ઉર્ફે કેલા હસનોદ્દીન શેખ ( ઉ.વ.27, રહે.ઘર નં.1/1583, હબીબશા મહોલ્લો, નાનપુરા, સુરત ), મો.રીજવાન ઉર્ફે સ્માર્ટી મો.અલી શેખ ( ઉ.વ.25, રહે.ઘર નં.44/2, ચંદન સોસાયટી, રૂદરપુરા, સુરત ), મો.તોહિદ મો.આરીફ શેખ ( ઉ.વ.22, રહે.ઘર નં.1/1590, ખંડેરાવપુરા મહોલ્લો, નાનપુરા, સુરત ) અને ઈમરોજ ઈદ્રીશ શેખ ( ઉ.વ.27, રહે. ઘર નં.1/2289, દરોગાની ચાલ, ખંડેરાવપુરા મહોલ્લો, નાનપુરા, સુરત ) ને ઝડપી લીધા હતા.એસઓજીએ તેમની પાસેથી કાર ઉપરાંત 7 મોબાઈલ ફોન, રોકડા રૂ.47,950 મળી કુલ રૂ.66,67,50 નો મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ સચીન પોલીસ મથકમાં ગુનો નોંધાવી પુછપરછ હાથ ધરી હતી.
તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સુરત પોલીસની સતત કાર્યવાહીને લીધે ઘણા ડ્રગ્સ માફીયા જેલ હવાલે થતા સુરતમાં ડ્રગ્સ ઘુસાડવાનું મુશ્કેલ બન્યું હતું.તેથી સુરતમાં ડ્રગ્સની અછત થતા તેનો છૂટક ભાવ વધી ગયો હતો.હાલમાં દિવાળીમાં ડ્રગ્સ વેચી વધુ નફો મેળવવા ચારેય ભાગીદારીમાં મુંબઈ જઈ મોહમદઅલી રોડ ખાતે રહેતા મોઈન પઠાણ અને તેના કૌટુંબીક ભાઈ મઝહર પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને ડ્રગ્સ મંગાવનારા સુરતના ધાસ્તીપુરા વરીયાવી બજારના સૈયદ સોહેલ શોકત આલમ, નાનપુરા ખલીફા મહોલ્લાના અદનાન બાવા, વેસુ વી.આઈ.પી રોડના ચંદન, કાપડીયા હેલ્થ કલબની સામેના અરીહંત, લીંબાયતના પપ્પુ, ખંડેરાવપુરાના મઝહર ખાન અને નાનપુરા શાકમાર્કેટ પાસેના તૌફીક કાલાને આપવાના હતા.એસઓજીએ તમામને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન, એસઓજીએ મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ મંગાવનારાઓ સાત પૈકી એક શોહેલ શૌકત સૈયદ ( કાદરી ) ( ઉ.વ.35, રહે.107, રોયલ એપાર્ટમેન્ટ, સૈયદવાડા, ઇશાજી મસ્જીદની બાજુમાં, લાલગેટ, સુરત ) ને ઝડપી પાડી તેનો કબજો સચીન પોલીસને સોંપતા સચીન પોલીસ તેની વધુ પુછપરછ કરી રહી છે.