અંકલેશ્વર ભડકોદ્રા ગામ નજીક રીગલ એપાર્ટમેન્ટ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે-ગોટા નજરે પડ્યા હતા. અંકલેશ્વર ડી.પી.એમ.સીના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આવેલા રીગલ એપાર્મેન્ટના રહેણાંક વિસ્તારની બાજુમાં જ ધમધતા ભંગારના ગોડાઉનમાં આજે સોમવારના રોજ બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. જો કે પ્લાસ્ટિક-ભંગારના વિપુલ જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગે ભયાવહ સ્વરૂપ લેતાં ઉંચે સુધી આગના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાની જાણ ડીપીએમસીના લશ્કરોને કરવામાં આવતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લશ્કરોએ ભારે જહેમતે પોણા કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. જ્યારે આગ લાગવાનું કારણ હજીયે જાણી શકાયું નથી. જો કે ઘટનાના કોઈ જાનહાનિ નહિ.નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.