Satya Tv News

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે.

ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડીગ્રીએ પહોંચ્યો
રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડીગ્રીએ પહોંચ્યો છે. બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં માઇનસ બેથી ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ આબુ આવતા હોય છે.

ઠંડાગાર તાપમાનમાં પણ સહેલાણીઓનો જમાવડો
છેલ્લા બે-ત્રણ દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. પાણીના કુંડા અને સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે.

error: