યુવાનની બિનવારસી લાશ કેસમાં હત્યા થયાનો ઘટસ્ફોટ
દહેજ પોલીસે નરણાવી ગામના બેને ઝડપી પાડ્યાં
બન્નેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી
વાગરા તાલુકાના નરણાવી ગામની સીમમાં આવેલી ખેત તલાવડી પાસેથી એક યુવાનનો ડિકમ્પોઝ થઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે દહેજ પોલીસે એલસીબીની ટીમ સાથે મળી તપાસ હાથ ધરતાં યુવાનની હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. દરમિયાનમાં પોલીસની તપાસમાં ગામના જ બે શખ્સોએ હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ટીમે બન્નેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાગરાના નરણાવી ગામે ખેત તલાવડીએ જવાના કાચા રસ્તા પરથી એક યુવાનનો ડિકંપોઝ થઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે દહેજ પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.જોકે, પીએમ રિપોર્ટ તેમજ એફએસએલ રિપોર્ટના આધારે યુવાનની હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. દહેજ પોલીસ તેમજ એલસીબીની ટીમે સંયુક્તરીતે મામલામાં તપાસ શરૂ કરતાં નરણાવી ગામના પ્રવિણ ઉર્ફે ભીખા વસાવા તેમજ કરણ રમેશ વસાવા નામના બે શખ્સો શંકાના દાયરામાં આવ્યાં હતાં.
ટીમે બન્નેની અટકાયત કરી પુછપરછ કરતાં તેમણે કબુલ્યું હતું કે, મૃતક યુવાન મચ્છી તળાવ પાસે બેઠો હોઇ તેમને તે મચ્છી ચોરવા આવ્યો હોવાની શંકાએ તેને ત્યાંથી જતાં રહેવા કહેતાં તેણે તેઓ બન્નેને હિન્દીમાં અપશબ્દો ઉચ્ચારી તકરાર કરતાં મામલો ગરમાતાં તેેઓએ આવેશમાં આવી જતાં તેમણે પાવડા અને કુહાડીથી તેના પર હુમલો કરતાં તેનું મોત થયું હતું. પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ