જંબુસર તાલુકાના મંગણાદ ગામે શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ કામદારોની વસાહતમાં શ્વાને 5 બાળકોને બચકાં ભરી લેતા હડકંપ મચી ગયો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામે શ્વાન હાડકાયું થતા ગામમાં ભારે દહેશત ફેલાઈ છે. બાળકો તેમજ વાહનો ઉપર જતા ગ્રામજનોની પાછળ શ્વાન પડી બચકાં ભરતું હોય લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મંગણાદ ગામ પાસે આવેલ સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ મજૂરોની વસાહતમાં આ હડકાયું શ્વાન ઘુસી જતાં પાંચ થી વધુ નાના ભૂલકાઓ કુતરાના કરડવાનો ભોગ બન્યા છે. કૂતરું કરડી જતા નાના બાળકોને મોઢા, કમર, પગ અને હાથે ગંભીર ઇજાઓ પોહચી છે. લોકોએ માંડ માંડ શ્વાનના આતંકથી આ બાળકોને બચાવ્યા હતા.
ઇજાગ્રસ્ત પાંચ બાળકોને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સાગમટે 5 બાળકોને શ્વાને બચકાં ભરી લેતા કામદારોમાં ગભરાટ સાથે ચિંતા ફેલાઈ ગઈ છે. શ્વાનનો ભોગ બનેલા બાળકોના માતા-પિતાએ કંપની કોન્ટ્રાકટરને ઘટનાની જાણ કરી હતી. કંપની હેડ દ્વારા જીવદયા સંસ્થા તથા ગામ પંચાયત વહીવટી તંત્રને રજુઆત કરી હડકાયા શ્વાનથી ગ્રામજનોને છુટકારો અપાવવા માંગ કરી છે.
પંથકમાં અવાર નવાર શ્વાન કરડવાના બનાવો બની રહ્યાં છે. બાઈકની પાછળ શ્વાન દોડવાથી બાઇક ચાલકો અકસ્માતોનો ભોગ પણ બની રહ્યાં છે. તંત્ર વહેલી તકે શ્વાનના આતંકથી ગ્રામજનોને છુટકારો અપાવે તે જરૂરી બન્યું છે.