વડોદરા-ભરૂચ વચ્ચે પોર પાસે કેમિકલ ભરેલું ટેન્કર નેશનલ હાઇવેની વચ્ચોવચ પલટી ખાઈ જતા વડોદરાથી ભરૂચ તરફ બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી વડોદરાથી ભરૂચ તરફ નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઇ પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રાફિકને પૂર્વવત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ટેન્કરને ક્રેન દ્વારા રોડની બાજુમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
વડોદરાથી ભરૂચ નેશનલ હાઇવે ઉપર પોર નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. સદભાગ્યે ટેન્કરની આગળ પાછળ કોઈ વાહન ન હોવાથી અને કેમિકલ ભરેલા ટેન્કરમાં આગની દુર્ઘટના થઈ નહોતી. જેથી મોટી હોનારત થતાં બચી ગઈ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.
પોર નજીક બનેલી આ ઘટનાને પગલે વડોદરાથી ભરૂચ તરફ ટ્રાફિક વ્યવહાર ખોવાઈ ગયો હતો અને બે કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા આસપાસના ગામના લોકો પાણી, નાસ્તા સહિતની ચીજ વસ્તુઓ વેચવા માટે હાઇવે ઉપર પહોંચી ગયા હતા. તો બીજી બાજુ આ બનાવવાની જાણ સંબંધિત પોલીસ વિભાગ અને ટ્રાફિક પોલીસને થતા કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેનની મદદ લઈને રોડની વચ્ચોવચ પલટી ખાઈ ગયેલી ટેન્કરને બાજુ પર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ટેન્કરને રોડની સાઈડમાં ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.
જો કે, આ ઘટનાને પગલે લાંબી કતારો લાગી ગઈ હોવાથી કલાકો સુધી વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત રહ્યો હતો. પરિણામે ભરૂચ તરફ નોકરી ધંધાર્થે જનારા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને સમયસર પોતાના નોકરી ધંધાના સ્થળે પહોંચી શક્યા નહોતા. આ બનાવ અંગે વરણામાં પોલીસે બેદરકારીપૂર્વક ટેન્કર ચલાવનાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. લોકોના ટોળા પણ રોડની વચ્ચોવચ આડી પડી ગયેલી ટેન્કરને જોવા માટે ઉમટી પડ્યા હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.